ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ જ્ઞાનસત્ર-૧૬માં દયા-કરુણા વિષય અન્વયે સમગ્ર સમાજને રુચિ જણાવી કે, “આપણી સેવામાં, ધંધામાં કોઈ નાના માણસો હોય કે જેઓ સ્વીપરનું કામ કરતા હોય, રસોઈ કરતા હોય, છાપું નાખતા હોય, દૂધ આપવા આવતા હોય, કપડાં ધોતા હોય તો તેમની સાથે બેસવું. તેમના સ્વાસ્થ્યની, ઘર-પરિવારની પૂછપરછ કરી તેમને પ્રેમથી, વ્હાલથી બોલાવવા. તેમના ઘરે બેસવા જવું. તેથી તેમને સાંત્વના મળે.”

ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી આદર્શ વક્તા છે. તેઓ કરેલી વાતને સ્વવર્તન દ્વારા સૌને શીખવે એ તેઓની આગવી શૈલી છે.

સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે તા. ૨૫-૧૧-૨૦૨૨ ને શુક્રવારના રોજ સ્વીપર, રસોઇયા, વૉચમૅન, માળી તથા સ્વામિનારાયણ ધામ કૅમ્પસની નાની-મોટી સેવા કરનાર સ્ટાફમુક્તોની સભા ગુરુજીના દિવ્ય સાંનિધ્યમાં ગોઠવાઈ હતી.

સભા પૂર્વે સવારે ગુરુજીની પૂ. સંતો સાથે ગોષ્ઠિ (મિટિંગ) હતી જે બપોરે ૧૧:૩૫ વાગ્યે પૂર્ણ થઈ. વ્હાલા ગુરુજી ૧૧:૩૦ વાગ્યે શરૂ થયેલી સ્ટાફ સભામાં જવા પધારતા હતા ત્યારે પૂ. સંતોએ પ્રાર્થના કરી, “દયાળુ, ઠાકોરજીના થાળ થઈ ગયા છે તો આપ જમીને સભામાં પધારો.”

ત્યારે ગુરુજીએ કહ્યું, “આમ પણ અમે આ સભામાં ૫ મિનિટ મોડા છીએ, તેઓ અમારી રાહ જોઈને બેઠા હશે. વળી, આપણે જમાડીને જઈએ તો તેઓનો સમય બગડે અને માવતર તરીકે એ મુક્તોને ભૂખ્યા મૂકીને અમારાથી કેમ જમાય ? માટે અમે સભા પછી જમાડીશું.” આટલું કહી ગુરુજી સ્ટાફ સભામાં પધાર્યા.

ગુરુજી નિત્યક્રમ મુજબ મધ્યાહ્ ન ભોજન ૧૧:૩૦થી ૧૨:૦૦ની વચ્ચે ગ્રહણ કરે છે પણ આજે સૌ મુક્તોને સુખિયા કરી ૧:૩૦ વાગ્યે ઠાકોરજી જમાડવા પધાર્યા.

ગુરુજીને નીચી ટેલની સેવા કરનાર મુક્તો ખૂબ વ્હાલા છે. જેઓ માટે તેઓ નિજના દૈનિકક્રમને પણ ગૌણ કરી દે. આવા મુક્તો પરત્વેની ગુરુજીના અંતરેથી વહેતી દયાની ગંગા સૌને ભીંજવી દે છે.