વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સંગે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તા. ૧૬-૯-૨૦૨૨ના રોજ પ્રાત: સમયે ઘાટલોડિયા-ગોતા ખાતે સત્સંગ વિચરણ અર્થે સ્વામિનારાયણ ધામથી પધારી રહ્યા હતા.

પ્રાત: સમયે ગુરુકુલના બાળમુક્તો સ્કૂલે જતા હતા. તેમને ગુરુજીની ગાડીનાં દર્શન થતાં શિસ્તબદ્ધ લાઇનમાં ઊભા રહી ગયા.

ઘાટલોડિયા પહોંચવાનું મોડું થતું હતું એટલે ડ્રાઇવર મુક્તે ગાડી સ્પીડમાં જવા દીધી. બારીમાંથી બાળમુક્તોના દર્શનની આતુરતા જોઈ ગુરુજીએ ડ્રાઇવર મુક્તને ટકોર કરતાં કહ્યું,

“ગાડી પાછી વાળો અને ધીમે ધીમે ચલાવો. આ બાળમુક્તો મહારાજના મુક્તો છે. તેઓને દર્શન કરવાની કેટલી આતુરતા છે ! અમારે પણ તેઓનાં દર્શન કરવા છે. આવી રીતે ગાડી લઈ લઈએ તો એમની લાગણી દુભાય.”

ગુરુજીની આજ્ઞા થતાં ડ્રાઇવર મુક્તે ગાડી પાછી વાળી. ‘ગુરુજીનાં દર્શન થશે’ એ વિચારે સર્વે બાળમુક્તો આનંદમાં આવી ચિચિયારીઓ કરવા લાગ્યા. તે જોઈ ગુરુજી અત્યંત રાજી થયા. ફરીથી એ જ રસ્તેથી ડ્રાઇવર મુક્તે ગાડી ધીમી જવા દીધી.

સર્વે બાળમુક્તોને ગુરુજીનાં દર્શન થયા અને ગુરુજી પણ રાજી થયા.

પોતાની વ્યસ્તતા કે સ્ટેટસનો કોઈ ભાર કે પ્રભાવ નહીં. મોડું થાય છે એવા ભારમાં કોઈની લાગણી ગાડીના વ્હિલ નીચે ચગદાઈ ન જાય તેવું નિરંતર ખ્યાલ રાખી સદા સૌની લાગણી પોષનાર ગુરુજીના દિવ્ય ચરણોમાં કોટિ કોટિ વંદન...