દિવાળીના દિવસો પૂર્ણ થયા. ભગવાનના ભક્તો માટે આખા વર્ષનું ભાથું ભેગું કરવાનો સમય એટલે કે જ્ઞાનસત્ર આવી ગયું. દેશોદેશના નાના-મોટા સૌ હરિભક્તોનાં સમૂહ સ્વામિનારાયણ ધામ ખાતે આવવા લાગ્યા. પ્રાત: સભાનો સમય થયો. કથાવાર્તાના પ્રખર આગ્રહી એવા ગુરુદેવ પ.પૂ. બાપજી પ્રાત: સભામાં લાભ આપવા માટે પધાર્યા અને સભાનો લાભ શરૂ કર્યો.

‘અને વળી જે ભગવાન છે એ જેવા તો એ એક જ છે’ના નાદથી આખો સભાહોલ ગુંજી ઊઠ્યો. ગુરુદેવ પ.પૂ. બાપજી સૌને મહારાજનો સર્વોપરી મહિમા સમજાવતા હતા. સૌ હરિભક્તોના અંતરમાં ‘મુઝે કૌન મિલા હૈ ?’ ઔર ‘મુઝે કૈસા કિયા હૈ ?’નો કેફ ઊભરાતો હતો.

 એવામાં ગુરુદેવ પ.પૂ. બાપજીએ કીર્તનની પંક્તિ ઉપાડી અને એનું વિવરણ કરવા લાગ્યા. ગુરુદેવ પ.પૂ. બાપજીની બાજુમાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બિરાજેલા. ગુરુદેવ પ.પૂ. બાપજીને કીર્તન મોટેથી બોલવામાં થોડી તકલીફ પડતી હતી એટલે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને કીર્તનની પંક્તિ ઝીલાવવા માટે કીર્તનસરિતાની જરૂર હતી. તેમની બાજુમાં જ ગુરુદેવ પ.પૂ. બાપજીની કીર્તનસરિતા પડી હતી. પરંતુ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ તે કીર્તનસરિતા ન લીધી. કારણ કે તેઓને થયું કે કદાચ બાપજી કીર્તનસરિતાનો ઉપયોગ કરશે તો ! આથી બાજુમાં બીજી એક કીર્તનસરિતા પડી હતી. તેઓએ પાછળ હાથ લંબાવીને બીજી કીર્તનસરિતા લીધી અને તેનો જ ઉપયોગ કર્યો.

પોતે સંસ્થાના અનુગામી સત્પુરુષ હોવા છતાં પોતાના ગુરુની ગરિમા જળવાયેલી રહે, એમની મર્યાદા ન ચૂકાય, એમને કોઈ તકલીફ ન પડે એ માટે કેટલા જાગ્રત વર્તે છે ! વિવેક-મર્યાદાની વિશાળકાય ઇમારત પર પોતાનું આગવું આધિપત્ય સ્થાપનાર ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની દિવ્યતામાં ગરકાવ થઈએ એ જ અભ્યર્થના.