એક દિવસ વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીને વિચરણ અર્થે બહાર જવાનું હતું. ડ્રાઇવરે ગાડીમાં સામાન મૂકીને બધી તૈયારી કરી દીધી.

     વિચરણમાં સાથે આવનાર પૂ. સંતો અને બે-ત્રણ સમર્પિત મુક્તો પણ ગાડીમાં બેસી ગયા હતા. તેઓ પ.પૂ.સ્વામીશ્રીની રાહ જોતા હતા ને એટલામાં પ.પૂ. સ્વામીશ્રી પધાર્યા.

     ડ્રાઇવરએ ગાડી ચાલુ કરવા માંડી, પાંચ-છ વખત પ્રયત્ન કરવા છતાં ગાડી શરૂ ન થઈ.

     “શું થયું મહારાજ(ડ્રાઇવર), ગાડી કેમ આજે ચાલુ નથી થતી ?”  પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું.

     “દયાળુ... આજે સેલ બગડ્યો લાગે છે... એટલે જરા ધક્કો મારવો પડશે.”

     આ સાંભળીને ગાડીમાં બેઠેલા પૂ. સંતો તેમજ સમર્પિત મુક્તો ઊતર્યા અને ગાડીને ધક્કો મારવા લાગ્યા.

     એટલામાં અચાનક વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી ગાડીમાંથી નીચે ઊતર્યા અને ગાડીને ધક્કો મારવા પધાર્યા.

     આ જોઈને સૌ સંતો અને મુક્તો તો અચંબો જ પામી ગયા.અને એક સંતે વિનય વચને પ.પૂ.સ્વામીશ્રીને પ્રાર્થના કરી,

     “દયાળુ, આપ ગાડીમાં બિરાજો, આપનાથી આ સેવા ન કરાય. અમે સૌ મુક્તો છીએ જ, માટે આપ ગાડીમાં બિરાજો.”

     “સંતો જે આપણી સેવા કરે છે તેની સેવા આપણે કરવી જોઈએ, આ ગાડી અમારી કેટલી બધી સેવા કરે છે ! માટે, સેવકને આ સેવા કરવા દો...” દાસભાવની મૂર્તિ સમા પ.પૂ.સ્વામીશ્રીએ સેવાની રીત શીખવતાં કહ્યું.