જેમનું રૂંવાડે રૂંવાડું અને શ્વાસોચ્છવાસ ગુરુના મહિમાથી છલકાય છે એવા ગુરુવર્ય પ.પૂ. બાપજીના અવરભાવના જ્ઞાનગુરુ એટલે સદ્. કેશવપ્રિયદાસજી સ્વામી (સદ્. મુનિસ્વામી). ગુરુવર્ય પ.પૂ. બાપજીના મુખે ગુરુમહિમાનો સ્ત્રોત નિરંતર વહેતો રહ્યો છે.

સદ્. મુનિસ્વામીના મહિમાનું અપારપણું વર્ણવતાં ગુરુવર્ય પ.પૂ. બાપજી કહે છે કે, “અનંતકોટિ બ્રહ્માંડો સદ્. મુનિસ્વામી આગળ હાથ જોડીને ઊભા રહે અને પ્રાર્થના કરે કે, અમારું પૂરું કરો તો એક સંકલ્પમાત્રે તેમને મૂર્તિના સુખમાં મૂકી દે; એવા સમર્થ છે.”

મોટા મોટા જ્ઞાનીઓ, ધ્યાનીઓને જે મૂર્તિનું સુખ અતિ દુર્લભ છે તે સહજમાં સદ્. મુનિસ્વામી
આપી દે.

એક વખત કોઈ હરિભક્તે ગુરુવર્ય પ.પૂ. બાપજીને પૂછ્યું કે, “આપને સદ્. મુનિસ્વામીનો કેવો
 મહિમા છે ?”

 ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું કે, “હું પૂજામાં બીજા સદગુરુની એક એક મૂર્તિ રાખું છું પરંતુ સદ્. મુનિસ્વામીની બે મૂર્તિ રાખું છું એવો મહિમા છે.”

ગુરુવર્ય પ.પૂ. બાપજી મોટા મંદિરે બિરાજતા ત્યારે તેમની અજોડ સાધુતાના પ્રભાવે અને કથાવાર્તાના આગ્રહને કારણે અનેક મુમુક્ષુ જીવો વગર બોલાવે ખેંચાઈ આવતા. છતાં તેમને ઊપસવાનો કે પોતાનું સારું દેખાડવાનો, મોટા થવાનો કે પોતાનામાં જોડાવાનો કોઈ વિચાર જ નહીં. ‘હું કશું જ નથી; ગુરુ જ સર્વસ્વ છે’ એવી અહમશૂન્ય અવસ્થામાં રહી આવનાર મુમુક્ષુને સદ્. મુનિસ્વામી પાસે વર્તમાન ધરાવવા પાટડી મોકલતા. પોતે સમર્થ હોવા છતાં ગુરુમહિમાનું અપારપણું દર્શાવતા.

ગુરુવર્ય પ.પૂ. બાપજી સદ્. મુનિસ્વામીનો અપરંપાર મહિમા સમજતા અને જોગમાં આવનાર સૌને કરાવતા તે અન્ય જોડે રહેનારાથી ખમાતું નહીં.

 તેથી એક દિવસ ગુરુવર્ય પ.પૂ. બાપજીની હાજરીમાં સદ્. મુનિસ્વામીને ફરિયાદ કરતાં કહ્યું કે, “સ્વામી, આ દેવસ્વામી તમારો મહિમા ખૂબ ગાય છે. માટે તેમને તમે ના પાડો.”

ત્યારે સદ્. મુનિસ્વામીએ મંદ મંદ હસતા થકા સ્પષ્ટપણે કહ્યું કે, “જેના જીવમાં હોય તે ગાય.”

સદ્. મુનિસ્વામીની દિવ્ય વ્હાલભરી અમીદૃષ્ટિ ગુરુવર્ય પ.પૂ. બાપજી પર ઠરી અને પોતાના વ્હાલા શિષ્યને ઉદ્દેશીને ભલામણ કરી કે, “મહારાજ અને મોટાનો મહિમા ખૂબ કહેવો. એના માટે તો આપણો જન્મ છે. એમાં ક્યારેય પાછી પાની કરવી નહીં.”

ફરિયાદ કરવા આવેલા બધા અવાચક થઈ ગયા કે આ શું થયું ? ના પાડવાને બદલે ઉપરથી તેમને ઉત્સાહિત કરે છે. સદ્. મુનિસ્વામીના દિવ્ય પ્રભાવથી કોઈ કાંઈ બોલી ન શક્યા. અંદર પેટમાં ઊનું તેલ રેડાયું હોય તેવું લાગ્યું પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજીને તો જાણે આજે મહારાજ અને મોટાપુરુષનો જેમ છે તેમ મહિમા ગાવાનું ઇન્ટરનૅશનલ લાયસન્સ મળી ગયું હતું તેનો આનંદ ઊભરાતો હતો. બસ, ગુરુના દિવ્ય વારસામાં લીધેલા સિદ્ધાંતને વિશ્વભરમાં ગુંજતા કરવા જેઓ અદ્યપિપર્યંત દેહની પરવા કર્યા વિના મંડ્યા રહ્યા છે.

મહારાજ અને મુક્તનો અપરંપાર મહિમા છડેચોક ગાઈ ગુરુના શબ્દોને સાકાર સ્વરૂપ આપી રહ્યા છે છતાં પણ તેમાં રંચમાત્ર પોતાનું કર્તાપણું નહિ; એક જ વાત ઉચ્ચારે છે કે, “અત્યારે આ જે કાંઈ લીલી વાડી છે તે શ્રીજીમહારાજ, બાપાશ્રી અને સદ્. મુનિસ્વામીનો જ પ્રતાપ છે.”

ગુરુમહિમાની દિવ્ય દુનિયામાં રમણ કરતા એવા આપણા સૌના ગુરુ પ.પૂ. બાપજીના ગુરુમહિમામાં સદાય રાચતા થઈ પ્રાગટ્ય દિને એમનું ઋણ અદા કરીએ.