ઈ.સ. 1981-1982ના વર્ષની આ વાત છે. એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજી, વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સાથે ચરોતર પ્રાંતના મોરજ ગામે વિચરણાર્થે પધાર્યા હતા. ત્યાં ગામના સ્વામિનારાયણ મંદિરમાં ઉતારો લીધો. હરિભક્તો રાજી રાજી થઈ ગયા. સાત વાગ્યા એટલે સંધ્યા આરતી થઈ.

 સંધ્યા આરતી થઈ ગયા કેડ્યે હરિભક્તોએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરતાં કહ્યું કે, “અમારા ઘરે પધરામણીએ પધારશો ?”

ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી કહે, “જાઓ, ઘરે જઈને તૈયારી કરો. અમે થોડા જ સમયમાં ઠાકોરજીના થાળ કરીને આવીએ છીએ.”

ત્યારબાદ ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રીએ જલ્દીથી પ્રાયમસ ઉપર રસોઈ બનાવી ઠાકોરજીના થાળ કર્યા. પછી તરત જ હરિભક્તોના ઘરે પધરામણીએ પધાર્યા. વીસેક જેટલી પધરામણી કરી ત્યાં તો સાડા આઠ – પોણા નવ વાગી ગયા. સભાનો સમય થઈ ગયો એટલે ગુરુવર્ય પ.પૂ. બાપજી સભામાં લાભ આપવા પધાર્યા. સભામાં તેઓએ મહારાજના સ્વરૂપના મહિમાની ખૂબ વાતો કરી. સભા પૂરી થતાં તો સાડા અગિયાર વાગી ગયા. સભા પછી હરિભક્તો લાઇનમાં દર્શન કરવા આવતા હતા.

એમાંથી અમુક હરિભક્તોએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરતાં કહ્યું કે, “દયાળુ, અમારે પધરામણી બાકી છે તો આપ પધારોને !”

રાત્રે સાડા અગિયાર વાગી ગયા હતા. વળી, ગુરુવર્ય પ.પૂ. બાપજીને રાત્રે જ વાસણા પરત
આવવાનું હતું.

એટલે પ.પૂ. સ્વામીશ્રીએ હરિભક્તોને વિનંતી કરતાં કહ્યું કે, “દયાળુ, પધરામણી પછી રાખો તો સારું, અત્યારે ખૂબ મોડું થયું છે અને અમારે વાસણા પહોંચવાનું છે તો બીજી વખત આવીએ ત્યારે પધરામણી કરશું.”

 આ સાંભળી હરિભક્તો કોઈ ઉત્તર આપે તે પહેલાં જ ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલી ઊઠ્યા કે, “આ તેં આપણા સુખનો વિચાર કર્યો કહેવાય; સાધુએ કોઈ દિવસ પોતાના સુખનો વિચાર ન કરાય, નિરંતર બીજાના સુખમાં જ રાચે, એમાં જ સુખી રહે, એનો જ આનંદ આવે એને સંત કહેવાય.”

 અને તરત જ હરિભક્તોને કહી દીધું કે, “જાઓ, તમે તૈયારી કરો; અમે આવીએ છીએ.”

અને રાત્રે સાડા અગિયાર વાગે પધરામણી શરૂ કરી મોડી રાતના એક વાગ્યા સુધી પધરામણી કરી. વહેલી પરોઢે ત્રણ-ચાર વાગ્યાની આસપાસ વાસણા મંદિરે પહોંચ્યા છતાંય મુખ પર થાક કે ઊંઘની લકીર પણ જોવા ન મળે !!