તા. ૧૫/૩/૨૦૧૭ ને બુધવારના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી સૌ STKના મુક્તોને તેમજ પૂ. સંતોને જ્ઞાનમાર્ગમાં પાકા કરવા તેમજ પોતાનાં દર્શન-આશીર્વાદનું સુખ આપવા પધાર્યા હતા.

     ગુરુવર્ય પ.પૂ. બાપજીએ વચનામૃત ઉપર લાભ આપવાનું શરૂ કર્યું. તેઓની આગવી રીત પ્રમાણે તેઓ સૌને પ્રશ્નો પૂછી રહ્યા હતા. એક પ્રશ્નનો ઉત્તર પૂછવા વારાફરતી પાંચ-છ સંતોને ઊભા કર્યા પરંતુ હજુ ઉત્તર ન મળતાં તેઓએ જાતે જ વિવરણ કરી ઉત્તર કર્યો.

     થોડો સમય થયો હશે ને અચાનક ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા, “અરે... સંતો તમે હજુ ઊભા છો...! બેસી જાવ... હેઠા બેસી જાવ...”

     આટલું કહી તેઓએ ક્ષણ વાર નીચી દૃષ્ટિ કરી અને સહજભાવે દુઃખી વદને બોલ્યા, “અમારાથી સંતોનો અપરાધ થઈ ગયો... સંતોને ઊભા રાખ્યા... આવા સંતોનો અપરાધ થઈ ગયો.”

     સૌમાં મુક્તભાવનાં દર્શન કરનારા એ દિવ્યપુરુષને અપરાધની કેટલી બધી બીક વર્તે છે...!!! ધન્ય છે એ દિવ્યપુરુષને ને તેમની દિવ્યદૃષ્ટિને...