અગાઉથી અવધિ આપી ધામમાં લઈ ગયા.
વડોદરા મૂર્તિપ્રતિષ્ઠાનો સમય હતો.
“બેટા, મારે વડોદરા આપણા મંદિરનો મૂર્તિપ્રતિષ્ઠા ઉત્સવ છે તો જવું છે.”
“પણ મમ્મી, આપની તબિયત સારી નથી.”
“તબિયતના કારણે આવો લાભ જતો કરાય ?”
વાત એમ હતી કે SMVS સંસ્થા સાથે જોડાયેલ પ.ભ. શ્રી જીતેશભાઈના માતુશ્રી છેલ્લાં અમુક વર્ષોથી બીમાર હતાં. વડોદરા મૂર્તિપ્રતિષ્ઠાનો લાભ લઈ વડોદરા તેઓના મોટા દીકરાના ઘરે રોકાઈ ગયાં. માતુશ્રીની તબિયત વધુ ખરાબ થતા તેઓના મોટા દીકરાના પુત્રવધૂએ જીતેશભાઈને ફોન કર્યો.
“હલ્લો, જય સ્વામિનારાયણ, જીતેશભાઈ.”
“હા બોલો, મહારાજ.”
“છેલ્લા કેટલાય સમયથી મમ્મીને જમાતું નથી અને ગોધર જવા માટે કહે છે.”
બીમારી સાથે છેલ્લાં 35 વર્ષથી જીતેશભાઈનાં માતુશ્રીનાં શરીરમાં કંઈક મેલી વસ્તુ પણ હતી.
જીતેશભાઈએ સુરત પૂ. સંતોને બધી વાત કરી. પૂ. સંતોએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને ફોન દ્વારા જાણ કરી.
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “જીતેશને કહો, સમય ઓછો છે માટે ત્રણ જોડી કપડાં લઈ તત્કાળ ગોધર મંદિરે પહોંચે.”
ગુરુવર્ય પ.પૂ. બાપજીની આજ્ઞાનુસાર જીતેશભાઈ અને તેમનાં માતુશ્રી તા. ૩/૧/૨૦૧૦ના રોજ રાત્રે ૮:૨૦ વાગ્યે ગોધર પહોંચ્યા.
અને રાત્રે પોઢ્યા ત્યારે જીતેશભાઈનાં માતુશ્રીને રાત્રે ૧૦:૦૦ વાગ્યે મહારાજે દર્શન આપી ધામમાં લઈ જવાની વાત કરી. જીતેશભાઈને જાણ થઈ પણ તેઓને વિશ્વાસ ન આવ્યો.
બીજે દિવસે સવારે એટલે કે તા. ૪/૧/૨૦૧૦ ને ૭:૦૦ વાગ્યે ગોધર મંદિરમાં જ જીતેશભાઈનાં માતુશ્રીને મહારાજે મૂર્તિના સુખમાં મૂકી દીધાં.
બરાબર ત્રણ દિવસે જ જીતેશભાઈ સુરત પહોંચ્યા.
આમ ઘનશ્યામ મહાપ્રભુ તથા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ આપેલી અવધિ પ્રમાણે જીતેશભાઈનાં માતુશ્રીને ધામમાં લઈ ગયા.