શ્રીહરિએ સાહજિક ક્રિયામાં દોષરૂપી પૂર ટાળવાનો ઉપાય બતાવ્યો.
એક વખત દૃર્ગપુરમાં નિરંતર ખળખળતી ઘેલા નદીમાં પૂર આવેલ,તે પૂર જોવા મહારાજ સૌ સંતો-ભકતો સાથે ઘેલાના કાંઠે પધાર્યા.
ત્યાં ખળખળિયા નીચે એક મોટો પથ્થર હતો અને પથ્થર ઉપર એક બાળક બેઠો હતો.ત્યાં પૂર એકદમ આવ્યું તેથી તે બાળકથી ઉતરાયું નહિ તેથી રડવા માંડ્યું અને બોલતો હતો જે,‘મને ઉતારો... મને ઉતારો...’ તેમના પિતાશ્રી મહારાજ પાસે આવી વિનંતી કરવા લાગ્યા જે,
“હે મહારાજ ! મારો દીકરો પેલા બેકડા (મોટો પથ્થર) પર રહી ગયો છે ને પૂર આવી ગયું છે તો દયા કરીને ઉતરાવી આપો.” દયાળુ મૂર્તિ શ્રીહરિએ રતનજીને આદેશ આપ્યો અને બાળકને રતનજી લઈ આવ્યા.
તે બાળક અને તેમના પિતાશ્રી મહારાજને આભાર વ્યક્ત કરતા નમન કરી ગઢપુર ભણી ચાલ્યા.
મહારાજ અને સર્વે સંતો-ભક્તો ઘેલાને કાંઠે હજુ ઊભા હતા. ઘેલામાં ઘણું પૂર આવ્યું તે પૂરને લીધે બાળક જે પથ્થર પર બેઠો હતો તે પથ્થર પણ ડૂબી ગયો.
શ્રીહરિ સર્વેને ઉદ્દેશીને વાત કરવા લાગ્યા જે, “જેમ ઘેલામાં પૂર આવ્યું ને આમાં ઊંટ, ઘોડા, હાથી જે આવે તે તણાઈ જાય, તેમ જીવના હૃદયમાં દોષો રહ્યા છે તેનું પૂર આવે છે જે કામાતુર,ક્રોધાતુર,માનાતુર,લોભાતુર ને સ્નેહાતુર.આ પૂરના બળથી બચવાના અને પૂરને પાછા પાડવાના માત્ર બે જ ઉપાય છેઃ એક આત્મનિષ્ઠા અને બીજું ભગવાનના મહાત્મ્યનું બળ.”
આટલી વાત કરી ત્યાં તો વરસાદના બુંદ શ્રીહરિને ભીંજવવા લાગ્યા. ત્યારે મહારાજે કહ્યું, “હવે ચાલો.”
સર્વે દરબારગઢમાં આવી વસ્ત્રો બદલી વાળું કરવા ગયા.