પ્રાતઃકાળે ઘડિયાળનો કાંટો 5:45 ઉપર આવ્યો. ગુરુવર્ય પ.પૂ. બાપજી વાસણા પોતાના આસને વચનામૃત વાંચતા હતા ને એકદમ પોતાના સેવક સંતને એક સંતનું નામ આપી બોલાવવા કહ્યું. એ સંત પૂજામાં મહારાજને સાચા ભાવે પ્રાર્થના કરતા હતા.

 સેવક સંતે એ સંતને શોધી કહ્યું, “બાપજી તમને યાદ કરે છે.”

 પૂજા પૂર્ણ કરી પેલા સંત ઝડપભેર હાંફળા બની ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને પહોંચ્યા. દંડવત કરી ગુરુવર્ય પ.પૂ. બાપજીની પડખે બે હાથ જોડી એક નજરે તેમની સામું જોઈ રહ્યા.

મરમાળું હાસ્ય કરતાં ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા, “અલ્યા, તું રાજી તો છે ને ? ! આનંદમાં તો છે ને ?!” આટલું સાંભળતાં તો પેલા સંત અતિ ગળગળા બની ગયા. ડૂમો ભરાઈ આવ્યો, આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. આ બાજુ ‘પૂજામાં બાપાને પ્રાર્થના પૂરી થાય એ પહેલાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ બોલાવી લીધો’ આ વિચારે સંતની આંખમાંથી અશ્રુધારા છલકાઈ.

 આંખમાં આંસુ જોઈ બાપા બોલ્યા, “અલ્યા ! તું આમ દુઃખી કેમ !!”

એટલું કહેતાં એમનો હાથ ઝાલી એમને છાતીએ ચાંપી દીધા. “મારા દીકરા, તને કાંઈ ચિંતા છે ?!કંઈ મૂંઝવણ છે ?!”આટલું પૂછતાં પોતાના ગાતડિયાથી આંસુ લૂછ્યાં. આ જોઈ પેલા સંતની આંખમાં અશ્રુધારા વધુ વહી કે આપ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપે પણ અમારી કેટલી ચિંતા રાખો છો !!!

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ફરીથી પૂછ્યું, “અલ્યા તને કંઈ દુઃખ નથી ને ?!”

 પેલા સંત કહે, “બાપા ! દુઃખ તો કાંઈ નથી પણ આપને અને પ.પૂ. સ્વામીશ્રીને રાજી નથી કરી શકતો.”

ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ માથે હાથ ફેરવતાં કહ્યું, “જો તને અવરભાવના સ્વભાવ આદિ દોષ પીડે તો તારે ચિંતા ન કરવી. મહારાજ ભેળા છે, નિશ્ચિંત રહેવું. સ્વભાવ આદિ દોષનું બળ નહિ ચાલે અને તારે સ્વામીશ્રીને રાજી કરી લેવા. સ્વામીશ્રી સામે દૃષ્ટિ રાખવી. તો તને બીજો વિચાર જ નહિ આવે ને ગુણોનો ઢગલો થઈ જશે.” આટલું કહેતાં ફરી છાતીએ ચાંપી વ્હાલ કર્યું.