ઈ.સ. 2006ની સાલમાં ગુરુવર્ય પ.પૂ. બાપજી મહેસાણા પધાર્યા હતા. ગુલાબી પથ્થરથી નવનિર્મિત મહેસાણા મંદિરના પ્રથમ માળે શિલાનું આરોપણ થતું હતું. ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રી સૌ સંતો-હરિભક્તો સાથે આ પ્રોગ્રામમાં લાભ આપી રહ્યા હતા. પ્રોગ્રામની પૂર્ણાહુતિ બાદ સૌ હરિભક્તો ગુરુવર્ય પ.પૂ. બપાજીનાં દર્શન માટે આવી રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજી સંસ્થાના વડાપદે બિરાજમાન હોવા છતાં એક અદભૂત લીલા કરી. ગુરુવર્ય પ.પૂ. બાપજી પોતાના ઊંચા આસને બિરાજવાને બદલે પ.પૂ. સ્વામીશ્રીના આસને બિરાજી ગયા. અલ્પ સમયમાં પ.પૂ. સ્વામીશ્રી પધાર્યા.

 ગુરુવર્ય પ.પૂ. બાપજીને નીચા આસને બિરાજેલા દર્શન કરી પ્રાર્થના કરી કે, “દયાળુ, આપ આપના આસન પર બિરાજો.”

 જેને ઊંચા કે નીચા આસનનો કોઈ ભેદ નથી, કોઈ માન-મોટપ, સત્તા કે પ્રભાવ દર્શાવવાનો લૌકિક ખ્યાલ જ નથી. સદૈવ શ્રીજીમહારાજની મૂર્તિના અલૌકિક ખ્યાલમાં રાચતા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પ.પૂ. સ્વામીશ્રીને કહ્યું, “તું ત્યાં બેસી જા.”

પ.પૂ. સ્વામીશ્રીએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરી કે, “દયાળુ, આપ અમારા ગુરુસ્થાને છો માટે આપનું આસન અમારા બધા કરતાં ઊંચું જ હોવું જોઈએ.”

 ત્યારે નિર્દોષ અને નિખાલસ ભાવે ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા કે, “આસન ઊંચું હોય કે નીચું એમાં શું ફેર પડી જવાનો છે ? આપણે તો મહારાજને બિરાજમાન કરવાના; માટે તું બેસી જા.”

 પ.પૂ. સ્વામીશ્રીએ વિનય વચને બે-ત્રણ વાર પ્રાર્થના કરી કે, “દયાળુ, આપ ઊંચા આસને બિરાજો; એ જ શોભે. આપના આસનમાં અમે ન શોભીએ.”

છેવટે પ.પૂ. સ્વામીશ્રીની પ્રાર્થનાનો સ્વીકાર કરી ગુરુવર્ય પ.પૂ. બાપજી યથાયોગ્ય આસન પર બિરાજ્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રી વચ્ચેની આ દિવ્યલીલામાં ગુરુવર્ય પ.પૂ. બાપજીના નિર્માનીપણાનાં, દાસત્વભાવનાં દર્શન કરતાં સૌ વિચારમગ્ન થઈ ગયા અને અંતરથી વંદી રહ્યા કે સંસ્થાના સર્વોચ્ચ ગુરુપદે બિરાજતા હોવા છતાં પોતાના શિષ્યના નીચા આસન પર બેસવામાં નહિ નાનપ કે નહિ સંકોચ. પોતાના મોભાનો કે પછી સત્તાનો કોઈ અહેસાસ જ નહીં.

એટલું જ નહિ, કોઈ સંતો-હરિભક્તો કે સાધકોને નાની-મોટી સેવા કરતા જુએ તોપણ ગુરુવર્ય પ.પૂ. બાપજી કોઈ પ્રકારની શેહ-શરમ કે સંકોચ વગર સાધક મુક્તો, સમર્પિત મુક્તો જોડે કોઠારમાં સેવા કરતા હોય તો તેમની પાસે ઘઉં સાફ કરવા બેસી જાય. નીચી ટેલની સેવામાં પણ કોઈ નાનપ લાગે જ નહીં.