હરિકૃષ્ણ મહારાજ સાથે આપણે લાભ લેવા માટે જઈએ છીએ.
“ઘાટલોડિયા હરિકૃષ્ણ મહારાજનું સામૈયું થવાનું છે અને આપણે બધા મહારાજ સાથે લાભ લેવા માટે જઈએ છીએ.” ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સેવક સંતને પ્રત્યુત્તર આપતાં કહ્યું હતું.
ગુરુવર્ય પ.પૂ. બાપજીના અવરભાવના જીવનમાં ક્યારેય પણ મહારાજનું મુખ્યપણું ગૌણ થયું જ નથી. તેઓ હરહંમેશ મહારાજને જ પ્રધાનપણે રાખતા આવ્યા છે અને સૌ સંતો-ભક્તોને પણ એ જ પાઠ શીખવ્યા છે.
તા. ૧૫-૭-૨૦૧૮ ને રવિવારના રોજ ગુરુવર્ય પ.પૂ. બાપજી અમદાવાદ-ઘાટલોડિયા ખાતે દર્શન-આશીર્વાદનો લાભ આપવા માટે પધારવાના હતા.
ગુરુવર્ય પ.પૂ. બાપજી ઘણા સમય પછી પધારતા હોવાથી ત્યાંના સ્થાનિક સંતો તથા હરિભક્તોએ હરિકૃષ્ણ મહારાજ તથા પ.પૂ. બાપજીના સ્વાગત માટે સામૈયું રાખ્યું હતું.
ઘાટલોડિયા જવા માટે ગુરુવર્ય પ.પૂ. બાપજી આસનેથી બહાર પધાર્યા ને તરત સેવક સંતને કહ્યું, “હરિકૃષ્ણ મહારાજને લઈ લેજો.”
રસ્તામાં જતી વખતે સેવક સંતે ગુરુવર્ય પ.પૂ. બાપજીને હળવેથી પૂછ્યું, “બાપજી ! સેવક ઠાકોરજીને સાથે લેવાનો જ હતો છતાં આપે કેમ યાદ કરાવ્યું ?”
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તે સેવક સંતને ઉપર જણાવ્યા મુજબ પ્રત્યુત્તર આપતાં કહ્યું, “સ્વામી...! ઘાટલોડિયા હરિકૃષ્ણ મહારાજનું સામૈયું થવાનું છે. અને આપણે બધા મહારાજ સાથે લાભ લેવા માટે જઈએ છીએ.”
આમ, ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનમાં ક્યારેય પણ ઠાકોરજીનું ગૌણપણું થયું જ નથી.