પ.પૂ.બાપજી વીજળી-પાણીની જેટલી જરૂર પડે તેટલો જ ઉપયોગ કરવા કહે.
ઈ.સ. ૨૦૧૨માં એક વખત વાસણા મંદિરના કોઈ એક વિભાગમાં સમર્પિતમુક્ત સેવા કરી રહ્યા હતા.
સેવા માટે તેઓ એમની ઑફિસમાં મોટી ટ્યૂબલાઇટ કરીને બેઠા હતા.
ગુરુવર્ય પ.પૂ. બાપજી આમ તો કદીયે વિભાગોમાં ન પધારે.
પણ ઠાકોરજીના ધનનો, વીજળી-પાણીનો બગાડ થતો હોય એટલે પહોંચી ગયા હોય.
“મુક્તરાજ, આપની નાની લાઇટ બગડી છે ?”
“ના બાપજી, ચાલુ જ છે.”
“તો તમે જે સેવા કરો છો તે નાની લાઇટના ઉપયોગથી કરી શકો તેમ છો ?”
“હા, કરી જ શકાય ને !”
“તો તમે કઈ લાઇટ ચાલુ રાખીને બેઠા છો...?”
“રાજી રહેજો બાપજી... આમ કાયમી નાની લાઇટ જ કરીને બેસું છું; પણ આજે જ મોટી લાઇટ ચાલુ રહી ગઈ...”
“લાઇટ એની મેળાએ દોડીને ચાલુ થઈ ગઈ ?”
“ના બાપજી...”
“કંઈ વાંધો નહિ પણ હવે ધ્યાન રાખવું. આપણે કરકસર કરવી ને કરાવવી. ઉતાવળમાં કે ગાફલાઈએ કરીને પણ કરકસર કરવાનું ભૂલી ન જવાય. ધ્યાન રાખશો ને !”
“હા બાપજી ! જરૂર...” નમ્રભાવે સમર્પિતમુક્ત બોલ્યા.
આમ, ખૂબ હળવાશથી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તેમને સમજાવ્યા.