પ્રભુ ભજવા આવેલ બ્રાહ્મણીને શ્રીહરિએ દેહ મુકાવી સેવામાં રાખ્યા
“મહારાજ, તમારા દરબારમાં બ્રાહ્મણ બાઈ આવી છે તેને ઘરે મોકલો. અમે તેડવા આવ્યા છીએ.”
સાત-આઠ બ્રાહ્મણો પ્રભુ ભજવા આવેલી બ્રાહ્મણ બાઈને તેડવા આવેલા અને મહારાજને આગળ વાત કરી.
“તમે કોણ છો ?” મહારાજે બ્રાહ્મણોને પૂછ્યું.
“અમે તેમનાં સંબંધીઓ છીએ.” બ્રાહ્મણોએ કહ્યું.
મહારાજે તે બ્રાહ્મણ બાઈને બોલાવીને કહ્યું,
“બાઈ, તમે આ તમારાં સંબંધી ભેળા ઘરે જાઓ.”
આટલું સાંભળતાં બાઈને મૂર્છા આવી ગઈ. થોડી વાર તો સન્નાટો છવાઈ ગયો.
પછી સચેતન થઈ મહારાજને કહ્યું,
“મહારાજ ! મારે ઘરે નથી જવું.”
“જાવું પડશે બાઈ.”
“મારાથી હવે એ ઘરમાં નહિ રહેવાય.”
“ચિંતા ન કરો; તમારી અમો રક્ષા કરીશું.”
પછી તો બ્રાહ્મણો બાઈને લઈને હરજી ઠક્કરના ઉતારે ગયા.
બાઈને તાવ આવી ગયો. તેમણે હરજી ઠક્કરને કહી મહારાજને દર્શન આપવા બોલાવ્યા
મહારાજે બાઈને દર્શન દીધાં ને બ્રાહ્મણોને કહ્યું,
“આ બાઈને ભગવાન ભજવા આંહીં રહેવા દો તો ઘણું સારું.”
“અમારે તો લઈ જ જવા છે.”
“તેડી જવાનું કરશો તો ઘણો ઓરતો કરશો.” આટલું કહી મહારાજ દરબારમાં પધારી ગયા.
બ્રાહ્મણો જાવા સારું તૈયાર થયા ત્યાં તો એ બાઈ દેહ મૂકી ધામમાં ગયાં.
તેથી અગ્નિસંસ્કાર કરી પોતાને ગામ જવા તૈયાર થયા.
મહારાજે બીજા દિવસે સભામાં કહ્યું,
“એ બ્રાહ્મણોના જે હતા તે એ લઈ ગયા અને બાઈ ભગવાનની હતી તે અમો અક્ષરધામમાં લઈ ગયા.”