“કાકા, સાંભળોને મારી વાત.”

“બોલ બેટા, શું કહે છે ?”

“કાકા, તમને મહારાજ પોતાના કેશકર્તનનો કેવો લાભ મળે છે ! આજે આપ મહારાજના કેશકર્તન કરો તો મને પ્રસાદીના કેશ ન આપો ?”

ગઢપુરના નાનકડા બાળકે વાળંદ હરિભક્તને અંતરથી કેશપ્રસાદી લેવાની અભીપ્સા જણાવી.

“હા, જરૂર આપીશ.”

પણ વાળંદ હરિભક્તે તો બાળકની આજીજીને નજરઅંદાજ કરી. મહારાજના કેશકર્તન કર્યા અને કેશ તથા સામાન ભેગો કરી ચાલતા થયા.

મહાપ્રભુનાં દર્શન કરી રહેલ આ બાળકને કેશ ન મળતાં રુદન કરવા લાગ્યો.

“અલ્યા, તું કેમ રડે છે ?” કરુણામૂર્તિ મહારાજની દૃષ્ટિ પડતાં બાળકને પૂછ્યું.

“મહારાજ, પેલા વાળંદ કાકાને મેં આપના પ્રસાદીના કેશ આપવા કહ્યું પણ તેમણે ન આપ્યા, અને ચાલ્યા ગયા.” બાળકે રડતાં રડતાંકહ્યું.

“અહોહો એમાં તે વળી રડવાનું હોય ! લે હું તને કેશ આપું.”

બાળસ્નેહી મહાપ્રભુએ પોતાની શિખામાંથી જાતે કેશ તોડી બાળકને આપી રાજી કર્યો.

બાળ ભક્તોના મનોરથ પૂર્ણ કરનાર ઘનશ્યામ પ્રભુને કોટિ કોટિ વંદન હો...