શ્રીહરિએ રૂપરામ ઠાકરની રક્ષા કરી
“હે પ્રભુ ! અત્યારે રક્ષા કરનારા તમો છો. હું રસ્તો ભૂલ્યો છું ને આ વનમાં વાઘ, સિંહ, રીંછ આવશે ને મને ખાઈ જશે. માટે હે દયાળુ, દીનબંધો, હે ભક્તરક્ષક મહાપ્રભુ ! મારી રક્ષા કરો.”
વાત એમ હતી કે શ્રીહરિના અનન્ય આશ્રિત રૂપરામ ઠાકર ગોધરાથી વૈદું કરી ઘણું દ્રવ્ય લઈ વિસનગર આવતા હતા. તે ગોધરાની જાળીમાં રાત્રે રસ્તો ભૂલ્યા ને રૂપરામ ઠાકરના હૈયેથી ઉપરોક્ત પ્રાર્થના સરી પડી.
શ્રીહરિએ પ્રાર્થના સાંભળી એક ભૈયાનો વેશ ધારણ કરી લાકડી હાથમાં લઈ પોકાર કરી જે, “રસ્તે ખબડદાર રહેજો ને કોઈ લૂંટે તો કહેજો.” સરકારી સિપાહી જેવો અવાજ સાંભળતાં રૂપરામ ઠાકરને હાશ થઈ, જોડે ગયા. ભૈયાએ બાજુમાં ઘરે લઈ જઈ ઉતારો આપ્યો. જમવા માટે મગજ, મગદળ ને સુખડી આપી ને સારું ઠંડું પાણી પાયું ને પલંગ પાથરી રૂપરામ ઠાકરને સુવાડી પગચંપી કરી. રૂપરામ ઠાકરે ના પાડી છતાં પગચંપી કરી. સવારે ઠાકરને જગાડી, રસ્તો દેખાડી ભૈયા વેશે પધારેલા શ્રીહરિ અદૃશ્ય થઈ ગયા.
રૂપરામ ઠાકરે પાછું વળીને જોયું તો ત્યાં કોઈ મનુષ્ય ભાળ્યું નહિ ને જગ્યા પણ જોવામાં આવી નહીં.
આમ, શ્રીહરિએ રૂપરામ ઠાકરની રક્ષા કરી.