દરરોજ સ્વામિનારાયણ મહામંત્રનું પેજ લખવું
તા. ૨૩-૪-૧૮ મહેસાણા ખાતે ઝોનલ શિબિરમાં બાળ શિબિરનું આયોજન કરેલું. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બાળ શિબિરમાં પધાર્યા. ત્યાં આયોજન મુજબ એક સ્પૉટમાં કેટલાક બાળમુક્તો મંત્રલેખન કરી રહ્યા હતા. તેમને જોઈ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું, “બાળમુક્તો, આ લખવાનો હેતુ શું છે ? આ લખવાથી શું ફાયદા થાય ?”
“મહારાજ રાજી થાય.” નિર્દોષ ભાષામાં બાળકોએ ઉત્તર આપ્યો.
“હા... પછી ? બીજા ફાયદા કયા થાય ?” બાળમુક્તો નિરુત્તર રહ્યા.
“સાંભળો, સ્વામિનારાયણ મહામંત્રના લેખનથી વારંવાર તેનું ઉચ્ચારણ થાય, અંત:શત્રુ ટળે, કાળા નાગનાં ઝેર ઊતરે, અશક્ય કાર્ય શક્ય બની જાય. લાવો... લાવો... અમને પણ એક નોટ લેખન માટે આપો.”
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ મંત્રલેખનની નોટમાં મંત્રલેખન કરવા માડ્યું. “સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... મહારાજ ! રાજી રહેજો...” બોલતા જાય. બાળમુક્તો પણ સાથે બોલતા જાય. અડધું-પોણું પેજ ભરાવા આવ્યું ત્યાં જોડેવાળા સંતે કહ્યું, “સ્વામી, હવે બસ, મોડું થઈ રહ્યું છે આપણે આગળ જઈએ.”
પ્રાર્થના સાંભળી-ન સાંભળી કરી, ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ લખવાનું ચાલુ જ રાખ્યું. એક પાનું ભરી દીધું. અંતે બાળમુક્તોને ઉપદેશ વચનો કહ્યાં, “માત્ર આજે જ નહિ પરંતુ ઘરે જઈને પણ હવેથી દરરોજ તમારે આ મંત્રલેખનનું એક પેજ લખવું. તો મહારાજ રાજી થશે.”
આહાહા ! સ્વામિનારાયણ મહામંત્રનો કેવો મહિમા છે ? તેને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સ્વવર્તન દ્વારા શીખવ્યો.