ગુરુદેવ પ.પૂ. બાપજીના આસને મહારાજ અને બાપાશ્રીની મૂર્તિ હતી પણ સદ્ગુરુશ્રીઓની મૂર્તિ નહોતી. પછી પૂ. સંતોએ એક મૂર્તિને વિષે મહારાજ, બાપાશ્રી તથા તમામ સદ્ગુરુશ્રીઓ સાથેની મૂર્તિ બનાવી. તેનાં દર્શન કરીને ગુરુદેવ પ.પૂ. બાપજી ખૂબ રાજી થયા.

તેમને દર્શન થાય એમ સામે મૂર્તિને મુકાવી એટલે તેઓ દિવસમાં જેટલી વાર દૃષ્ટિ પડે એટલી વાર બે હસ્ત જોડી ખૂબ દાસભાવે મહાત્મ્યસભર દર્શન કરે અને ખૂબ રાજી થાય. તેઓ સેવક સંતોને પણ કહે, “જુઓ, આ આપણી અમીરપેઢી, આપણી પરંપરા. જુઓ, આ મુનિબાપા, આ સદ્ગુરુબાપા...” વગેરેનાં મહાત્મ્યસભર નામ લઇને એમની સામું હસ્ત કરે, જાણે તેમની સામે વાતું કરતા હોય એમ જ.

રોજ આવાં દર્શન થાય. દર્શન કરનારને એમ જ થાય કે તેઓ સાક્ષાત્ વાતો કરે છે. એમને જરિયે છેટાપણું નથી. આવાં મહાત્મ્યનાં વચન એમના મુખમાંથી વારંવાર સરી પડે.