સ્વજીવન દ્વારા વાંચનનો આગ્રહ
ઈ.સ. ૨૦૧૩. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એકાંતમાં હતા. એકાંત દરમ્યાન પોતાના વ્હાલસોયા સમર્પિત મુક્તોને સભામાં લાભ આપવા પધાર્યા. પ્રશ્નોત્તરી થતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને એક સમર્પિત મુક્તે પ્રશ્ન પૂછ્યો, “દયાળુ, આંતરમુખી જીવન કરવા શું કરવું ?”
“આપમાંથી જ ઉત્તર આપો, પછી સેવક કહેશે.” હંમેશાંની રીત પ્રમાણે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, ત્યારે કોઈએ કહ્યું. “તે માટે પહેલાં અંતર્વૃત્તિ કરવી.”
તો કોઈએ કહ્યું, “તે માટે દૃષ્ટિનો સંયમ કરવો.”
સર્વેના ઉત્તર સાંભળી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “આપે કહ્યું તે સાચું પણ મુક્તો, આંતરમુખી જીવન કરવા વાંચન-મનન ખૂબ કરવું. એકાંતે બેસીને વાંચન દ્વારા મહારાજ અને મોટાપુરુષની મરજી, રુચિ પકડતા શીખવું.”
આમ, કહી ગુરુદેવ પ.પૂ. બાપજીનો વાંચનના આગ્રહ તથા પોતાના વાંચનના અંગે વિષે વાત કરતાં કહ્યું, “સેવકને વાંચન-મનનનું ખૂબ અંગ. અત્યારે સેવક એકાંતમાં છે તો દિવસ દરમ્યાન ૫ કલાકનો સમય વાંચન માટે ફાળવું છું. તેમાં સાંપ્રદાયિક ગ્રંથોનું વાંચન કરું છું. ગુરુદેવ પ.પૂ. બાપજી પણ પૂર્વે જ્યારે કોઈ નવા સાધુ થવા આવે તેને વચનામૃત અને બાપાશ્રીની વાતો ખૂબ આગ્રહપૂર્વક વંચાવતા. આપ બધાને પણ વિનંતી છે કે વાંચનનું અંગ ખૂબ કેળવજો.”
આમ, ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સ્વાનુભવ પરથી સૌને વાંચનની મહત્તા સમજાવી.