ઈ.સ.૨૦૦૭માં સ્વામિનારાયણ ધામ ખાતે પૂ.ત્યાગી મહિલામુક્તો માટે ભક્તિનિવાસનું બાંધકામ ચાલુ કરવામાં આવ્યું. આ બાંધકામની દેખરેખ માટે એક સત્સંગી હરિભક્તને રાખ્યા હતા.

 આ હરિભક્તે એમ વિચાર કર્યો કે, ‘આવી અણમોલ સેવાનો લાભ મળ્યો છે. મારી પર કેવી કૃપા કહેવાય ! પણ મંદિરમાં સેવા કરવા જવાનું છે તો દરરોજ મંદિરમાં ના જમાડવું જોઈએ. જેમ બહારગામ કંઈ કામકાજ માટે જતા હોઈએ ત્યારે જાતે જ વ્યવસ્થા કરીએ છીએ તેમ ઘરેથી ટિફિન લઈને આપણે સેવા કરવા જવું.’

આથી તે હરિભક્ત ટિફિન લઈને સેવા કરવા આવ્યા. તેમને કંઈક કામકાજ માટે સંત આશ્રમમાં આવવાનું થયું. બપોરે મધ્યાહન ભોજન લઈ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી સૌ સંતો-હરિભક્તોને દર્શન આપતા હતા ત્યાં આ હરિભક્ત પણ ઊભા હતા. દરેક મુક્તો શિસ્તબદ્ધદર્શન કરી આગળ વધતા હતા. આ હરિભક્ત આગળ આવ્યા ને તરત જ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ અંતર્યામીપણે પૂછ્યું,

“ઠાકોરજી જમાડ્યા ?”

“ના સ્વામીશ્રી, બસ હવે જમાડીશું.”

“જુઓ, અહીંયાં ગુરુકુળમાં ઠાકોરજી જમાડી લેવાના. સાંજે કદાચ વહેલા-મોડું થાય તો સાંજે પણ ઠાકોરજી જમાડી લેવાના. આ આપણું ઘર જ છે. ઘેરથી લઈને આવવાની જરૂર નથી.”

વાહ... દયાળુ વાહ...! અમારા સૌ માટે આપ એક જ છો પણ આપના માટે અમે લાખો-કરોડો છીએ છતાંય આપ નાનામાં નાની ચિંતા રાખો છો..? જે ચિંતા કોઈ આ લોકની મા પણ ના રાખી શકે.