શ્રીહરિ માનકૂવામાં નાથા ભક્તને ત્યાં મરચાંના લાડુનું ભોજન કરતા હતા. તે સમયે દંઢાવ્ય દેશના રાજપૂત ડુંગરજીભાઈ શ્રીહરિનાં દર્શને આવ્યા.

“ભગત, લ્યો પ્રસાદી.” એમ કહી શ્રીહરિએ તેઓને મરચાંનો લાડુ આપ્યો. ડુંગરજીભાઈ પ્રસાદી જમ્યા અને ત્યાં તો તેમનું ગળું, આંખ, કાન બળવા લાગ્યા. થોડી વારે તો તેમને લાગ્યું કે મારા પ્રાણ નીકળી જશે.

શ્રીહરિએ તરત ઊભા થઈને ઘી પાયું તેથી તે શુદ્ધિમાં આવ્યા. પછી શ્રીહરિએ તેમને દાળ અને રોટલા અપાવ્યા. 

જમતાં જમતાં દાળના સ્વાદમાં એકરસ થતા જોઈ ડુંગરજીભાઈને શ્રીહરિએ ટકોર કરી, “દરબાર ! દર્શન મૂકીને સ્વાદમાં આસક્ત થવું તે ભગવાનના ભક્તને ખોટ કહેવાય. સ્વાદ તો ભગવાનની મૂર્તિનો લેવો.”

આમ, શ્રીહરિ નિજાશ્રિત ત્યાગી કે ગૃહી સર્વેને નિઃસ્વાદી કરવાનો આગ્રહ જણાવતા.