ભોજનલીલામાં ગુણગ્રાહક બનવા ઉપદેશ
એક સમયે ગઢડામાં શ્રીજીમહારાજ દાદાખાચરના દરબારમાં ઉગમણાબારને ઓરડે થાળ જમીને સંતની પંક્તિમાં પીરસી હાથ પગ ધોઈને ઢોલિયે બિરાજમાન થયા હતા. તે વખતે નિર્મળાનંદ સ્વામી નાહી પત્તર લઈને આવ્યા ને શ્રીજીમહારાજને પગે લાગી કહ્યું, “મહારાજ ! હું આપની પ્રસાદી વિના રહી ગયો.” ત્યારે શ્રીજીમહારાજે કહ્યું, “સ્વામી, સૌ સંતોના પત્તરમાંથી કોળિયો કોળિયો માગી લો, અમે હવે એંઠા હાથ નહિ કરીએ.”
ત્યારે નિર્મળાનંદ સ્વામીએ પોતાના પત્તરમાં સૌ સંત પાસેથી કોળિયો કોળિયો માગી લીધું; તેથી સ્વામીનું પત્તર પ્રસાદથી છલકી ઊઠ્યું. પછી સૌ સંત જમીને શ્રીજીમહારાજ પાસે આવીને બેઠા.
ત્યારે શ્રીજીમહારાજે વાતો કરી જે, “સૌ સંત હરિજને કોઈનો અવગુણ લેવો નહિ, કારણ કે અવગુણે કરીને જીવનું અતિ ભૂંડું થાય છે એવું કોઈ પાપે કરીને થાતું નથી. માટે અમારાં ભક્તની સેવા કરવી ને સર્વેના ગુણ ગ્રહણ કરવા પણ કોઈનો અવગુણ તો લેવો જ નહીં. જેમ આજે નિર્મળાનંદ સ્વામીએ સૌ સંતોના પત્તરમાંથી થોડું થોડું માંગી લીધું, તો સ્વામીનું પત્તર પ્રસાદથી ભરાઈ ગયું. તેમ સત્સંગમાં સૌનો થોડો થોડો ગુણ લેવાય ને સેવા કરે તો જીવમાં બળ આવે ને જીવ વૃદ્ધિ પામે.” એમ શ્રીજીમહારાજે કેટલીક વાતો કરીને સૌને ઉઠવાની આજ્ઞા આપી ને પોતે અક્ષરઓરડીને વિષે પોઢવા પધાર્યા.