દેહનો અનાદર કરીને નિષ્કામી વર્તમાનની અડગતા રાખી
તા.૧૩, ૧૪-૬-૨૦૧૭ દરમ્યાન દોઢ દિવસનું જૂનાગઢ ખાતે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું વિચરણ ગોઠવાયું હતું. તા.૧૩મીએ રાત્રે જાહેરસભા પૂર્ણ થયા બાદ સત્સંગ કેન્દ્ર પર આવતાં રાત્રે ૧૦ વાગ્યા હતા. આપણા ફ્લેટમાં એક ACવાળા રૂમમાં ઠાકોરજીને પોઢાડેલા. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી નાની રૂમના ઝરૂખામાં સેવા કરવા માટે બિરાજ્યા હતા. ઝરૂખામાં નાની PL ચાલુ અને ખુરશીમાં બિરાજી સખત ગરમીમાં સેવા કરતા હતા. બીજી બાજુ દૂર સામેના ફ્લેટનો ઝરૂખો પણ સામે આવે. તે ઝરૂખામાં એક મહિલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનાં દર્શન કરતાં હતાં. આનો ખ્યાલ વાંચનમાં નીચી દૃષ્ટિ હોવાથી ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીને ન આવ્યો. થોડો સમય થયો પછી ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીને ખ્યાલ આવ્યો કે તરત જ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી પોતે ગભરાતા, ઉતાવળા ઉતાવળા ખુરશી તથા પોતાની સેવા સંકેલી થેલી લઈને અંદર ફ્લેટની સીડીમાં જઈને બેસી ગયા. અને એમાં તે વખતે ઉપરના ફ્લોર પરથી એક નાના બાળમુક્ત ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની નજીક આવ્યા. ચરણસ્પર્શ કરી ‘જય સ્વામિનારાયણ સ્વામી’ એમ કહ્યું. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ નાના બાળમુક્તને પોતાનું નામ, અભ્યાસ અંગે પ્રશ્નો પૂછ્યા. તે વખતે સીડીમાં બેઠા હોવાથી ખૂબ ગરમી થતી હતી છતાંય નાના બાળકને કહ્યું, “ઝરૂખાની જે બારી છે તે બંધ કરી દો.”
આજ રીતે બીજા દિવસે સવારે ઉપાસના સભા ગોઠવાયેલી. સભા હોલ મોટો હતો. આગળના ભાગમાં સભા ગોઠવાયેલી. હોલના પાછળના ભાગે મજૂરો સેવા કરતા હતા. જેમાં પુરુષો-મહિલાઓ કામ કરતાં હતાં.જે ઘણું દૂર હતું છતાંય ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ કહ્યું કે, “મજૂરો કામ કરે છે એમને બહાર મોકલી દોઅને એમને જો ઉતાવળ હોય તો આપણે ૨૫-૩૦ હરિભક્તો તેમને મદદ કરાવો તો જલદી પૂર્ણ થાય.”એમ કહી પૂ.સંતોએ પ-૭ હરિભક્તોને મોકલી જલદી કામ પૂર્ણ કરાવ્યું. કેવી બ્રહ્મચર્યની દૃઢતા!