“મહારાજ, મહારાજ... આપને કંઈ સમાચાર છે ?” હાંફળાફાંફળા થતા એક હરિભક્ત શ્રીહરિને કંઈક કહેવા આવ્યા.

“ના, આપ શેની વાત કરો છો ?” અંતર્યામી સ્વરૂપ શ્રીહરિએ અજ્ઞાનપણું દર્શાવ્યું.

“મહારાજ, આપણા સંતો દ્વારા ચાલતાં સદાવ્રતો ઉપર વિઘ્નસંતોષીઓના આક્રમણો થાય છે, સાધુઓને મારે છે, કંઠી તોડી નાખે છે, જનોઈ ખેંચી લે છે, પૂજાની મૂર્તિઓ આંચકી તોડી નાખે છે અને સદાવ્રતના અન્નને વેરવિખેર કરી નકારું કરી દે છે. માટે વહેલી તકે સદાવ્રતો બંધ કરી દઈએ તો..??” હરિભક્તે શ્રીહરિને પ્રાર્થના કરતાં સંતોની આપવીતી કહી.

ઘડીભર ગંભીર મુખમુદ્રા ધારણ કરતાં શ્રીહરિ બોલ્યા જે, “અમે કંઈ સદાવ્રત બંધ કરવા માટે ચાલુ નથી કર્યાં. અમારે સમાજને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિયુક્ત સંતોની ભેટ આપવી છે ત્યારે આવી પરિસ્થિતિઓ એ સંતો માટે કસોટી સમ છે. આવી વિષમ પરિસ્થિતિઓમાં જ મારા સંતોનું સાધુતાનું કવચ એવું ઘડાશે કે જેને શસ્ત્રો છેદી નહિ શકે; અગ્નિ બાળી નહિ શકે અને જળ ભીંજવી નહિ શકે. આવા સંતો જ જીવોના તારણહાર બની રહેશે.”

આવા પ્રચંડ સંકલ્પ સાથે શ્રીહરિએ જ્યાં સદાવ્રત ચાલતાં હતાં ત્યાં પત્રો લખાવ્યા જે, “સદાવ્રતો ચાલુ રાખવાં, ગમતું અમારું જ થશે અને તમારી સાધુતા વિશેષ ઉજ્જવળ દેખાશે.”

આમ, શ્રીહરિએ સંત ઘડવૈયા બની સંતોનું પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે આદર્શ ઘડતર કરી સમાજને ગરવી સંત સેનાની ભેટ ધરી હતી.