આવું તો તમને બીજા પણ આપી શકત
સારંગપુરમાં શ્રીહરિએ ફૂલદોલોત્સવ કર્યો. આ પ્રસંગે દેશોદેશના હરિભક્ત બાઈ-ભાઈ સર્વે શ્રીહરિનાં દર્શન માટે પધાર્યાં. શ્રીજીમહારાજે સૌને રંગે રમાડ્યા. પછી શ્રીહરિએ બાઈઓને ફગવા માગવા કહ્યું.
ત્યારે કાઠિયાવાડી બાઈઓએ મહાપ્રભુને પ્રાર્થના કરી, “હે મહારાજ, આપ અમ પર રાજી હોય તો અમને ધાણી, દાળિયા ને ખજૂર જેવી વસ્તુ આપો.”
બાઈઓની આવી ભલીભોળી પ્રાર્થના જોઈ મહારાજે મંદ હાસ્ય રેલાવ્યું અને બોલ્યા, “આવું તો તમને બીજા પણ આપી શકત.”
પછી ગુજરાતની બાઈઓને માગવા કહ્યું. ત્યારે જતનબા આદિક બાઈઓએ મહારાજને પ્રાર્થના કરી, “હે કૃપાસિંધુ, આપ અમ પર રાજી થઈ અમો જે વર માગીએ તે આપો.”
પછી તેમણે આ પ્રાર્થના કરી :
“મહાબળવંત માયા તમારી, જેણે આવરિયાં નરનારી...”
“તમોને ખરેખર માગતા આવડ્યું હોં...” આટલું કહી મહાપ્રભુ તે બાઈઓની નિષ્કામ પ્રાર્થના જોઈ અંતરથી રાજી થઈ ગયા.