બાપુ ! આ દાદો તો અમારો છે...
શ્રીજીમહારાજ ગઢડા પધાર્યા એટલે વસંતોત્સવની તૈયારી એભલબાપુનો પરિવાર તથા સંતો-ભક્તો કરવા લાગ્યા. શ્રીજીમહારાજ અક્ષરઓરડીમાં બિરાજમાન થયા હતા. બાપુ એભલખાચર દાદાખાચરને લઈને ત્યાં આવ્યા. એભલબાપુએ શ્રીજીમહારાજને દંડવત કર્યા અને દાદાખાચરે પણ દંડવત કર્યા. શ્રીજીમહારાજે તેમને પકડી લીધા અને પોતાની પાસે બેસાર્યા. ત્યારે દાદાખાચરની સામું જોઈ એભલબાપુએ કહ્યું, “મહારાજ ! આ દાદો તો રોજ મને પૂછ્યા કરતો કે, ‘શ્રીજીમહારાજ ક્યારે આવશે ? શ્રીજીમહારાજ ક્યારે આવશે ?’ અને અમે એનું મન મનાવવા કહીએ કે ‘શ્રીજીમહારાજ તો આજે આવશે.’ એટલે દાદો એની ફોઈ પાસે જાય, એની મા પાસે જાય અને કહેતો, ‘સારી રસોઈ બનાવો. આજે શ્રીજીમહારાજ આવશે.’ તેમ કહી રસોઈ બનાવરાવે. પછી આપની રાહ ડેલીએ બેસીને જુએ. બાર ઉપર એક વાગે એટલે ઓરડામાં પાછો આવે અને દુઃખી વદને બોલતો, ‘શ્રીજીમહારાજ તો આજે ન આવ્યા.’ દાદાને આવું બોલતાં જોઈને તેની ફોઈની આંખમાંથી આંસુ પડી જાય. પછી દાદો તેની મા ને ફોઈને કહેતો, ‘મહારાજ માટે રસોઈ કરી હોય તો લાવો. ઠાકોરજીને ધરાવીને સાધુઓને આપી આવું.”
એભલબાપુ દાદાની શ્રીજીમહારાજ વિષેની પ્રીતિનું આખ્યાન એકધારું બોલ્યે જતા હતા. શ્રીજીમહારાજ સાંભળતાં સાંભળતાં દાદાની સામું નીરખી રહ્યા. દાદાખાચર પણ શ્રીજીમહારાજ સામું જ સ્થિર દૃષ્ટિએ જોઈ રહ્યા હતા. શ્રીજીમહારાજ તેના વાંસા ઉપર હેતનો હસ્ત ફેરવતા હતા. પછી એભલબાપુએ કહ્યું, “મહારાજ ! તેની મા, તેની ફોઈ તેને કહેતી, ‘દાદા ! ઠાકોરજીને ધરાવેલ થાળ તું જમી લે.’ ત્યારે દાદો તરત કહેતો, ‘એ તો સાધુને જ આપવાનો. આપણે તો શ્રીજીમહારાજનાં દર્શન ન થાય ત્યાં સુધી સાદી રસોઈ જમાડવાની.”
આ સાંભળતાં જ શ્રીજીમહારાજે દાદાખાચરને ઊંચકી લીધા. શ્રીજીમહારાજે અતિ હેતે પોતાના ખોળામાં બેસારી દીધા. તેને માથે હસ્ત ફેરવતાં શ્રીજીમહારાજ બોલ્યા, “બાપુ ! આ દાદો તો અમારો છે... આ અમારો દાદો તો તમારું ઘર ઉજાળશે, ગામની દીશ ઉજાળશે, દેશ અને પરદેશમાં ગવાશે એવો એ ઉત્તમ ભક્ત છે. તેનું ઉત્તમ નામ ખરેખર તે સાર્થક કરશે જ.”
એભલબાપુ શ્રીજીમહારાજની કરુણાથી ભીંજાઈ ગયા ને મનોમન શ્રીજીમહારાજને વંદન કરતાં બોલી રહ્યા, “મહારાજે દીકરો આપ્યો પણ દી’વાળે એવો દીકરો આપ્યો !”