તા. ૧-૮-૨૧ના રોજ AYP કેમ્પના ત્રીજા દિવસે વ્હાલા ગુરુજી હરિભક્તોને લાભ આપતા હતા ત્યારે એક હરિભક્તે આંગળી ઊંચી કરી પ્રશ્ન પૂછ્યો : “દયાળુ, ગુરુદેવ પ.પૂ. બાપજીને ખીચું અનુકૂળ આવતું, તેમ આપને કઈ વસ્તુ વધારે અનુકૂળ આવે છે ?”

પ્રશ્ન સાંભળી થોડી વાર માટે ગુરુજી નિરુત્તર રહ્યા. ત્યારબાદ ગુરુજી બોલ્યા, “અમને તો એવો ખ્યાલ આવતો નથી. અમને કોઈ વસ્તુ બહુ ભાવતી હોય એવું કંઈ નથી. છતાંય અમે અમારી જોડે રહેનારા પૂ. સંતોને પૂછીએ તો ખ્યાલ આવે.” ત્યાં તો પૂ. સંતો પણ નિરુત્તર રહ્યા. એટલામાં તો ગુરુજીએ સૌને કહ્યું, “અમને કંઈ સ્વાદનો ખ્યાલ જ નથી રહેતો. અમને આ લોકનું કંઈ ભાવતું નથી. અમે સંતોને ક્યારેય ‘આ બનાવો’ એવું કહ્યું નથી. એક મૂર્તિ વિના અમને બીજું કંઈ અનુકૂળ નથી આવતું. મૂર્તિ વિના બીજી વાત કરવી પડે તે અમને ગમતી નથી.”

વળી, ગુરુદેવ બાપજીનો પરભાવ દૃઢ કરાવતાં અહોભાવથી તેઓ બોલ્યા, “બાપજીને પણ અવરભાવમાં ખીચું વધારે ભાવતું હતું એવું ન હતું. એ તો આપણા પૂ. આનંદસ્વામીની સેવાનો-ભાવનો સ્વીકાર કરતા હતા. પણ પોતે તો સંપૂર્ણ પરભાવનું જ સ્વરૂપ છે. તેઓને શ્રીજીમહારાજ વિના ક્યાંય બંધન કે પ્રીતિ નહોતી.”

આમ લાભ આપીને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પોતાનો સંકલ્પ-દર્શનનો હેતુ જણાવતાં કહ્યું, “બસ, અમને જેવું વર્તે છે તેવું તમને વર્તે એવા કરવા છે. તે માટે આ અમારા દાખડા છે. સાચું કહું તો તમે બધા અમને બહુ ભાવો છો... બહુ ભાવો છો...”

આમ, ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને સદા સર્વદા એક જ સ્વાદ મૂર્તિનો રહ્યો છે, અનંતને રખાવ્યો છે.