અમે અમારા અતિ વ્હાલા સંતો-ભક્તોની માળા ફેરવીએ છીએ
કચ્છ વિચરણ કરતા આધોઈમાં શ્રીજીમહારાજ લાધાજીના દરબારમાં ઊતર્યા. અહીં શ્રીજીમહારાજને લાલજી સુથારને દીક્ષા આપ્યાની સ્મૃતિ થઈ આવી. વૈરાગ્યમૂર્તિ લાલજી સુથારે શ્રીજીમહારાજની અનુજ્ઞાથી એક ક્ષણમાં જ ગૃહસ્થાશ્રમ ત્યજી ત્યાગાશ્રમ સ્વીકારી લીધો તે દૃશ્ય શ્રીજીમહારાજને તાદૃશ્ય થયું. શ્રીજીમહારાજના નેત્રો બંધ હતા, હસ્તમાં માળા હતી. તે જોઈ લાધાજી દરબારે શ્રીજીમહારાજને પૂછ્યું, “મહારાજ ! અમે તો તમારા ભક્ત છીએ અને તમે ભગવાન છો, તેથી અમે તો આપના નામની માળા ફેરવીએ છીએ, પણ આપ કોના નામની માળા ફેરવો છો ?”
શ્રીજીમહારાજ દરબારની વાત સાંભળી હસતા બોલ્યા, “દરબાર ! અમે અમારા અતિ વ્હાલા વ્હાલા સંતો-ભક્તોની માળા ફેરવીએ છીએ.” ભક્ત જેમ ભગવાનને ભૂલતા નથી, તેમ અમે પણ અમારા અતિ વ્હાલા વ્હાલા ભક્તોને ભૂલતા નથી. અમારા વચને અહીં લાલજી સુથારે દીક્ષા લઈ લીધી હતી તે અમને સ્મરણમાં છે. આવી રીતે ક્ષણનોય વિલંબ કર્યા વગર દીક્ષા લેવી એ કઠણ કહેવાય.
લાધાજી દરબારને આ પ્રસંગ યાદ આવતા બોલ્યા, “હા મહારાજ ! સ્વામી, ખરેખર એવા વૈરાગ્યવાળા છે. આપના પધાર્યા પછી તેમણે વૈરાગ્યનાં ખૂબ પદો ગાયાં તેથી આખું ગામ વૈરાગ્યના રંગે રંગાઈ ગયું હતું. તેથી કોઈ જગતડાહ્યાએ તેમને કહ્યું, “સાધુરામ ! રાખો હવે. તમારાં વૈરાગ્યનાં પદો સાંભળીને તો આખું ગામ વૈરાગી થઈ જશે !” તેમની વાણીમાં આવું વૈરાગ્યનું ભારે બળ છે.
“લાલજી સુથાર વૈરાગ્યવાળા છે તો બીજાને વૈરાગનો રંગ ચડી ગયો, પણ જીવમાં જ ધર્મનું, ભક્તિનું કે વૈરાગ્યનું, કોઈ ઠેકાણું ન હોય તેનાથી બીજાને શો રંગ ચડે ? ઊલટાના બધા મોળા પડી જાય.” શ્રીજીમહારાજ બોલ્યા.
આ ક્ષણે લાધાજી મહારાજનો ભક્ત પ્રત્યેનો મહિમા મનોમન વાગોળી રહ્યા : “મહારાજને ખરેખરા સંતો પ્રત્યે ખૂબ મહિમા ભાવ છે.”