કુંડળ નામનું એક ગામ. ગામની સીમમાં ઘણી બોરડીઓ. આ બોરડીઓ પર લૂંબે-ઝૂંબે બોર આવ્યાં હતાં. પાકાં અને મધમીઠાં બોર ! રાતાં-ચોળ ને રસભરેલાં બોર ! આવાં બોરનાં વખાણ સાંભળી ત્રણ-ચાર બાલિકાઓ ત્યાં પહોંચી ગઈ.“વાહ ! કેવાં મજાનાં બોર છે ! હું તો ધરાઈને ખઈશ. અને પછી મારા ભઈલા માટે પણ લઈ જઈશ.” બોર વીણીને ખાતી એક બાલિકા બોલી. તો બીજી બાલિકાએ કહ્યું, “હું તો ઘરે જઈને બોર ખાઈશ. મારી નાનકડી બહેન તેમજ બા-બાપુજીને પણ ખવડાવીશ.”આ બાલિકાઓમાં એક બાલિકા એકદમ ચૂપ હતી. તે આનંદથી બોર વીણતી હતી. પરંતુ હજી સુધી તેણે એક પણ બોર ચાખ્યું નહોતું. આ બાલિકાનું નામ હતું અમર. તે શ્રીજીમહારાજની પરમ ભક્ત હતી. તે શ્રીજીમહારાજનું અખંડ ભજન કર્યાં કરતી.

આજે તે પણ શ્રીજીમહારાજ માટે બોર ભેગાં કરતી હતી. તે મનોમન વિચારી રહી હતી કે, “આજે શ્રીજીમહારાજને હું બોરની પ્રસાદી ધરાવીશ.” એમાં એક બાલિકા બોલી, “અરે, સખીઓ ! અમર આ બોર મહારાજને ભેટ ધરશે. માટે તે વીણી રહી છે.” તો વચમાં બીજી એક ચિબાવલી બાલિકાએ કહ્યું, “પ્રભુને વળી તારાં સસ્તાં બોરની શું પડી હોય ? તેમને તો રોજ બત્રીસ ભાતનાં પકવાન જમવા માટે મળતાં હોય છે.”

“મારા ભગવાન તો પ્રેમના ભૂખ્યા છે. એમને બત્રીસ ભાતનાં પકવાનની કોઈ જ કિંમત નથી.” આટલું બોલી અમર મહારાજને યાદ કરવા લાગી.

એવામાં પૂર્વ દિશામાંથી તબડક... તબડક... ઘોડાના ડાબલા સંભળાયા. ચારે તરફ ધૂળની ડમરીઓ ઊડતી દેખાઈ. બાલિકાઓ આ સ્થિતિથી ગભરાઈ, ઘર તરફ ભાગવા લાગી. પણ અમર શ્રીજીમહારાજના વિચારોમાં ખોવાયેલી હતી. એટલે ત્યાં ને ત્યાં જ બેસી રહી. જ્યારે બીજી બધી બાલિકાઓ ભાગી ગઈ.

થોડી જ વારમાં કેટલાક ઘોડેસવારો દેખાયા. તેમાં એક અસવાર રાજા જેવા લાગતા હતા. તેમના મુખ પર બુકાની બાંધી હતી. તેમની પાછળ કાઠીઓ હતા. અચાનક આ બધા ઘોડેસવારો અમર પાસે આવી ઊભા રહ્યા. ત્યાં તો અમર વિચારોમાંથી જાગી પણ તે ઘોડેસવારોને ડર્યા વિના જોઈ રહી.

તેવામાં રાજા જેવા પેલા ઘોડેસવાર નીચે ઊતર્યા. તેમણે પોતાના મુખ પર બાંધેલી બુકાની કાઢી નાખી. અમર તેમનું મુખ જોઈ એકદમ ખુશ થઈ બોલી, “ઓ મારા નાથ ! તમે ?! હું આપને ઓળખી શકી નહીં. રાજી રહેજો, દયાળુ !” આટલું બોલતાં તે મહાપ્રભુના ચરણોમાં પડી ગઈ.

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા, “અમર ! અત્યારે વગડામાં શું કરે છે ?”

“દયાળુ ! આપને ભેટ આપવા બોર વીણતી હતી.” બોરની પોટલી બતાવીને તે બોલી.

“પણ આ વગડામાં બીક નથી લાગતી ?” શ્રીજીમહારાજ બોલ્યા.

“ના મહારાજ ! આપ સદાય મારી ભેળા છો, તેમાં બીક બિચારી મારી પાસે ક્યાંથી આવે ? પ્રભુ, આપની ભક્તિએ જ મને નિર્ભય કરી છે.” 

અમરનો સમજણવાળો જવાબ સાંભળી, શ્રીજીમહારાજ રાજી થયા. તો કાઠીઓ પણ નવાઈ પામ્યા. ત્યારબાદ શ્રીજીમહારાજે અમરનાં બોર સ્વીકાર્યાં ને ત્યાં જ જમવા લાગ્યા. શ્રીજીમહારાજ બોર જમાડતાં જમાડતાં બોલ્યા, “આ કંકુ જેવાં રાતાં અને સુગંધીદાર બોર બહુ સારાં છે. આવાં બોર અમે પહેલાં ક્યારેય જમાડ્યાં નથી ! ખરેખર ભારે મીઠાં છે બોર !”

“આ બધી આપની જ કૃપા છે. એ તો આપના દિવ્ય હસ્તનો સ્પર્શ થયો એટલે બધાં બોર મીઠાં મધ જેવાં થઈ ગયાં.” અમર નમ્રભાવે બોલી રહી.

શ્રીજીમહારાજ અમરની શ્રદ્ધાભક્તિ પર રાજી થયા. તેને હેત આપવા પ્રભુએ માથે હાથ મૂકી, રાજીપો આપ્યો. બ્રહ્મચારી પાસેથી મહારાજે પતાસાનો ડબો માંગ્યો. આખો ડબો અમરના ખોળામાં ઠાલવતાં પ્રભુ બોલ્યા, “અત્યારે અમારી આ પ્રસાદી સ્વીકાર. પછીથી અમે તને અમારી મૂર્તિનું સુખ આપીશું.”

આમ, કહી પ્રભુ માણકી પર અસવાર થયા. પછી સંઘ સાથે કુંડળ ગામ તરફ આગળ વધ્યા. અમર ઘણી વાર સુધી બાળવત્સલ ભગવાનનાં દર્શન કરતી રહી.

વાહ ! પ્રભુ, આપ કેવા બાળસ્નેહી છો ! આપ કેવા બાળવત્સલ છો ! અમરનો સંકલ્પ પૂરા કરવા માટે આપ પોતે પધાર્યા. તેનાં બોર સ્વીકાર્યાં ને જમાડ્યાં. વાહ ! પ્રભુ, આપે એને બોરના બદલામાં મૂર્તિસુખના કોલ આપી દીધા.