ભેંસજાળમાં રાણા કાયાભાઈના બહેન સાંખ્યયોગી હતાં. તેમનો હાથ ભાંગી ગયો હતો. સંબંધીઓએ તેમને કહ્યું કે, “ચુડા ગામે હાથ ચડાવનારો માણસ સારો છે. તેની પાસે જઈએ.”

“ભાઈ, હું સાંખ્યયોગી છું. મારો ધર્મ લોપાય. માટે કોઈ પુરુષના હાથમાં મારો હાથ આપીશ નહીં.

“પણ બહેન હાથના કટકા થઈ ગયા છે. પીડા પણ ઘણી છે. માટે સવારમાં ગાડામાં બેસારીને લઈ જ જઈશું.” વાત સાંભળી બાઈ ખૂબ દિલગીર થયાં.

“મહારાજ ! કૃપા કરો. મારો ધર્મ લોપાશે.” મહારાજને સ્તુતિ કરતાં તેઓ પોઢી ગયાં.

રાત્રે મહારાજ દિવ્ય રૂપે પધાર્યા. “બાઈ, અમે તમારો હાથ સાજો કરવા પધાર્યા છીએ.” કહી મહારાજે હાથ સાજો કર્યો. સવારમાં બાઈના સંબંધીઓ ગાડું લઈને આવ્યા ત્યારે હાથ સાજો દીઠો. બાઈએ પ્રભુના પ્રગટપણાની વાત કરી જેથી સૌને અહોભાવ થયો !