“આજે હું તાજું દૂધ લાવ્યો છું તો ઠાકોરજી માટે દૂધપાક બનાવો ને બનાવો જ.” વિચરણ દરમ્યાન એક હરિભક્તે ગુરુદેવ પ.પૂ. બાપજીને આગ્રહ કર્યો.

“રસોઈમાં સમય કાઢવો તે કરતાં બેસો, આપણે ભગવાનની વાતું કરીએ. ઠાકોરજીને ખીચડી અને તાજું દૂધ ધરાવી દઈશું.” ગુરુદેવ પ.પૂ. બાપજી હરિભક્તને સમજાવતા હતા પરંતુ જોડમાં આવેલા ઉછીના સંતને રસાસ્વાદે કરીને આ રુચ્યું નહિ એટલે તાડૂક્યા,

“જો દૂધપાક બનાવો તો જ હું રહીશ; નહિ તો હું આ હાલ્યો.”

ગુરુદેવ પ.પૂ. બાપજીએ તેઓને સમજાવ્યા પણ સંત એકના બે ન થયા. અંતે શ્રીજીમહારાજની આજ્ઞા જે ‘ત્યાગી સાધુએ જોડ વિના એકલા ન રહેવાય’ તે આજ્ઞા પાળવા ગુરુદેવ પ.પૂ. બાપજી પરવશ હતા. તેથી થાળમાં દૂધપાક, પૂરી, શાક બનાવી ઠાકોરજીનો થાળ કર્યો અને સર્વેને જમાડ્યા પણ તેમાંથી પોતે કશું ગ્રહણ ન કર્યું અને પોતાના જમવાના સમયે કથા કરવા બિરાજી ગયા.

કથાવાર્તાનો આગ્રહ, નિ:સ્વાદીપણું તથા શ્રીહરિની આજ્ઞાને અગ્રિમતાનાં ત્રિવેણી દર્શન માટે ગુરુદેવના જીવનનો આ એક પ્રસંગ પૂરતો છે.