શ્રીહરિ નાજા જોગિયાની વહારે...
“તારા સ્વામિનારાયણ વિસનગર હોય કે ગમે ત્યાં હોય પણ જો તેઓ કાલે સવારે આંહીં હાજર નહિ થાય તો તારા બંને ઢીંચણ ભાંગી જશે.” આ શબ્દો હતા ભોંયરાના રાજા વાસુરખાચરના. તેઓ આસુરીવૃત્તિના હતા. તેમના રાજ્યમાં જે કોઈ વ્યક્તિ કોઈ ગુનામાં પકડાય તેના બંને ઢીંચણ તેઓ ભાંગી નાખતા. એક દિવસ તેમના આસુરીભાવે જોર પકડ્યું અને તેમણે નાજા ભક્તને બોલાવી ઉપરોક્ત ધમકી આપી.
નાજા ભક્ત તો ધ્રુજી ગયા અને શ્રીહરિને પ્રાર્થવા લાગ્યા. ભક્તવત્સલ શ્રીહરિના કર્ણપટ પર તેમના ભક્તનો અવાજ પહોંચી ગયો. તેઓ વિસનગરથી વાયુવેગે ચાલતા નદીઓ ઓળંગતા પોતાના ભક્ત પાસે પરોઢિયું થતાં ભોંયરા પહોંચી ગયા.
નાજા ભક્તને લઈ શ્રીહરિ વાસુરખાચરની ડેલીએ ગયા અને કહ્યું, “અમે નાજાના ભગવાન સ્વામિનારાયણ આવી ગયા છીએ.” વાસુરખાચરે કહ્યું, “હા નાજા ! તારા ભગવાન સાચા.”
શ્રીહરિએ વાસુરખાચરને કહ્યું, “તમે રાજા છો. જે કોઈ કંઈ ગુનો કરે તેના ઢીંચણ ભાંગી નાખો છો તો તમારે જમપુરીની સજા ભોગવવી પડશે માટે નીતિથી રાજ્ય કરો.” રાજા ન માન્યા તો શ્રીહરિએ જમપુરીનો અનુભવ કરાવ્યો. રાજાને પોતાની ભૂલ ઓળખાઈ ને સર્વે કેદીઓને છોડી, તેમની સારવાર કરાવવા તૈયાર થયા. શ્રીહરિ તેમના પર રાજી થયા અને કેદીઓને પણ દર્શન આપી પ્રજાના ધર્મ પાળવા કહ્યું.
આમ, ભોંયરા પધારી ભક્ત વત્સલ શ્રીહરિએ નાજા જોગિયાની તો રક્ષા કરી પરંતુ વાસુરખાચરને સત્સંગી કરી સમગ્ર પ્રજાને પણ સુખ કરી આપ્યું.