તા. ૨૧-૧૧-૨૦૦૬ના રોજ તેમને મણિનગરની સિદ્ધિ વિનાયક હૉસ્પિટલમાં  રવિભાઈના પિતાશ્રીને દાખલ કરવામાં આવ્યા. તેમનું વધુ પડતું નાદુરસ્ત સ્વાસ્થ્ય દેખી રવિભાઈએ પ.પૂ. સ્વામીશ્રીને તા. ૨૫-૧૧-૨૦૦૬ના રોજ ફોન કરી તેમના પિતાશ્રીને હૉસ્પિટલમાં દર્શન આપવા માટે પધારવાની પ્રાર્થના કરી અને દુઃખી હૃદયે તેઓ ફોનમાં રડી પડ્યા. તે સમયે પ.પૂ. સ્વામીશ્રી ઘાટલોડિયા ખાતે જાહેરસભામાં લાભ આપવા માટે પધાર્યા હતા. તે પૂર્ણ કરી રવિભાઈની પ્રાર્થના સ્વીકારી રાત્રે ૧૧:૦૦ વાગ્યે પ.પૂ. સ્વામીશ્રી હૉસ્પિટલ તેમના પિતાશ્રીને દર્શન આપવા પધાર્યા. પ.પૂ. સ્વામીશ્રી ઘાટલોડિયા મંદિરેથી જ ઠાકોરજીનો પ્રસાદીનો ગુલાબના પુષ્પનો હાર લઈને પધાર્યા હતા. પ.પૂ. સ્વામીશ્રીએ તે હાર રમણભાઈને પહેરાવ્યો અને પોતાના દિવ્ય હસ્તે પ્રસાદીનું જળ તેમના મુખમાં મૂકી થોડી વાર ધૂન્ય કરી.

ત્યારબાદ પ.પૂ. સ્વામીશ્રી દિવ્યાશિષ આપતાં બોલ્યા, “રવિભાઈ ! હવે મહારાજ રમણભાઈને મૂર્તિના સુખમાં લઈ જ જશે.”

પ.પૂ. સ્વામીશ્રી દ્વારા આશીર્વાદ આપનારા મહારાજ છે. મહારાજ અને મોટાપુરુષ કદી જુદા નથી. મુક્તની મહારાજ સાથે રોમરોમપણે એકતા છે માટે એ આશીર્વાદ કદી એળે ન જાય. એ આશીર્વાદ પ્રમાણે જ થાય. પછી પ.પૂ. સ્વામીશ્રી હૉસ્પિટલથી રાત્રે ૧૨:૦૦ વાગ્યે નીકળી સ્વામિનારાયણ ધામ ગાડીમાં પરત પધારતી વખતે રસ્તામાં જ અંતર્યામીપણે બોલ્યા કે, “મહારાજે અત્યારે રમણભાઈને મૂર્તિના સુખમાં મૂકી દીધા છે.”

આ બાજુ એ જ ક્ષણે રમણભાઈએ સ્થૂળ દેહનો ત્યાગ કર્યો અને ત્યાં થોડી જ ક્ષણોમાં રવિભાઈનો પ.પૂ. સ્વામીશ્રી પર ફોન આવ્યો કે, “પપ્પાને મહારાજ ધામમાં લઈ ગયા છે.”

આ પ્રસંગ દ્વારા અંતર્યામીપણે તેના પરમાણા આપવાનો અલૌકિક પ્રૌઢ પ્રતાપ પ.પૂ. સ્વામીશ્રીએ જણાવ્યો. તેનાથી સૌને પ.પૂ. સ્વામીશ્રીની પરભાવની મોટપની દિવ્ય અનુભૂતિ થઈ અને તેઓના પરભાવના મહાત્મ્ય તેમજ સત્પુરુષપણાની વધુ ને વધુ દૃઢતા થઈ.