તા. ૨૬-૦૭-૨૦૧૩ના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે સ્ટાફ સભામાં લાભ આપવા પધાર્યા હતા. બે-ત્રણ નવા હરિભક્તોને ગુરુદેવ પ.પૂ. બાપજીએ પોતાની સાથે લીધેલા.

    સ્વામિનારાયણ ધામ સભા હોલમાં પહોંચી ગુરુદેવ પ.પૂ. બાપજી આસન પર બિરાજ્યા પરંતુ સાથે આવેલા નવા હરિભક્તો શરમસંકોચ અનુભવતાં સભામાં સૌથી છેલ્લે બેસી ગયા. ગુરુદેવ પ.પૂ. બાપજીએ આ જોયું એટલે તરત માઇકમાં બોલ્યા, “મુક્તો, આગળ આવી જાવ. જગ્યા થઈ જશે.” કહેતાં આગળ એ હરિભક્તો માટે જગ્યાની વ્યવસ્થા કરાવી. વળી સભા બાદ ફરી પૂછ્યું, “મુક્તો ! તમે અલ્પાહાર કર્યો ? તમને અલ્પાહારમાં શું ફાવશે ?”

    ભગત,આ મુક્તોની જમવાની વ્યવસ્થા કરાવી દો. આમ ગુરુદેવ પ.પૂ. બાપજીએ જાતે હરિભક્તોના અલ્પાહારની વ્યવસ્થા કરાવી. કેવી હરિભક્તોનું જતન કરવાની અનેરી રીત ! પોતે સંસ્થાના ગુરુપદે હોવા છતાં એક એક હરિભક્તોનું પણ કેટલું ધ્યાન રાખે ! કેવી ચિંતા રાખે! ગુરુદેવ પ.પૂ. બાપજીની આ રીત કોઈ પણ નવા મુમુક્ષુને ‘ગુરુદેવ પ.પૂ. બાપજી મારા પોતાના છે.’ એવી અનુભૂતિ સહેજે જ કરાવી દેતી અને વળી એટલે જ તો સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ કીર્તનમાં પણ કહ્યું છે કે ...

                                            “વળી સમે સમે સંભાળ, જાણો કરે હરિજનની રે;

                                              બીજું એવું કોણ દયાળ, કાં રે મનાય નહિ મનને રે.”