એક સમયે રાત્રે ગઢપુરમાં શ્રીહરિ અચાનક અક્ષરઓરડીમાં સાધુની જાયગાએ પધાર્યા. શ્રીહરિ પધાર્યા એટલે બધા સંતો એકદમ ઊભા થઈ ગયા. શ્રીહરિને આસન પર બિરાજમાન કર્યા. શ્રીહરિએ સંતોને કહ્યું, “સંતો, અમે તમને એક રહસ્યની વાત કરવા આવ્યા છીએ. આ વાત સમજાશે ત્યારે જ તમે અમારી સેવામાં રહી શકશો.”

ઉતાવળા થકા સદ્. બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, “મહારાજ ! ઝટ વાત કરો.”

“હા મહારાજ, જરીએ વાર ન કરો.” બધા સંતો એકસાથે બોલી ઊઠ્યા. શ્રીહરિએ કહ્યું, “સાંભળો સંતો, અમો ભલે તમોને દેખાઈએ મનુષ્ય જેવા પણ અમે મનુષ્ય જેવા નથી. અમારા અક્ષરધામનો, અમારા સ્વરૂપનો યથાર્થ મહિમા સમજાશે ત્યારે તમને સર્વોપરી પ્રાપ્તિનો આનંદ આવશે. અને ત્યારે જ તમે સત્સંગમાં સ્થિર થઈ શકશો.” એમ કહી શ્રીહરિએ મધ્યરાત્રિ સુધી પોતાના સર્વોપરી સ્વરૂપની અગમ્ય વાતો કરી સંતોને મૂર્તિસુખના અધિકારી કર્યા.

આમ, શ્રીહરિ ઘણી વાર નિજ સ્વરૂપનો મહિમા સમજાવીને પોતાના સુખના અધિકારી કરતા હતા.