ઈ.સ. ૨૦૦૩ની સાલ હતી.

એક દિવસ સ્વામિનારાયણ ધામ ગુરુકુલ કેમ્પસમાં તોફાન-મસ્તીએ ચડેલા ૭-૮ વિદ્યાર્થીઓને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ તેઓના હિતાર્થે ઠપકાના બે શબ્દો કહ્યા,“બાળમુક્તો, મહારાજના વ્હાલા થવું હોય તો તોફાન-મસ્તી ન કરાય. મહારાજ રાજી ન થાય.”

“સ્વામી, રાજી રહેજો ભૂલ થઈ ગઈ.” બે હાથ જોડી બાળમુક્તોએ માફી માગી.

બીજો દિવસ થયો.

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિદેશ વિચરણમાં જવાની તૈયારીમાં હતા. પરંતુ અંતરમાં બાળમુક્તોને ઠપકો આપ્યાનું દુઃખ સાલ્યા કરતું હતું. આથી આઠેય બાળમુક્તોને આસને બોલાવ્યા.

“બાળમુક્તો ! રાજી રહેજો. આવો, તમને મળીએ.” કહી માતા જેમ બાળકને બાથમાં ભીડી લે તેમ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બાળમુક્તોને અતિશે પ્રેમથી ભેટી પડ્યા. એટલું જ નહિ, સૌને પ્રસાદીની લાડુડી આપી રાજી કર્યા.

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો નિર્ભેળ પ્રેમ જોઈ સૌ બાળમુક્તોની પાંપણ ભીંજાઈ ગઈ.