અમારી ઝોકની લાજ રાખજો
સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે સમર્પિત તાલીમ કેન્દ્રમાં છેલ્લા અઢી વર્ષથી સમર્પિત મુક્તો ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના સાંનિધ્યમાં ત્યાગીજીવનના મૂલ્યો શીખી રહ્યા હતા. સંત ઘડવૈયા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સમર્પિત મુક્તોનું નિકટ રહી ખૂબ ઘડતર કર્યું હતું. સમર્પિત મુક્તોને સાધક દીક્ષા અપાય બાદ વિશેષ ઘડતર પામવા એસ.એમ.વી.એસ.ના અન્ય સેન્ટરોમાં રહેતાં પૂ. સંતો સાથે જવાનું હતું. સાધકમુક્તો અન્ય સેન્ટરમાં પધારે તે પૂર્વેની છેલ્લી સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી લાભ આપવા પધાર્યા.
સભા દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું “સાધકો ! ક્યારે આપ સંતો સાથે અન્ય સેન્ટરમાં પધારવાના છો ?”
“પૂનમની સભાનો લાભ લીધા બાદ સંતો સાથે જવાના છીએ.”
“મુક્તો, તમે અમારી જોડે રહી છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી ઘડતર પામી રહ્યા છો. હવે તમે અમારાથી દૂર બીજે જાવ છો તો ઝોકની લાજ રાખજો અર્થાત્ અમારી લાજ રાખજો. અમને લજવતા નહીં.” એમ કહી જૂનાગઢ મંદિર માટે માવા ભગત ગીરની ગાય લેવા જાય છે ત્યારે એક બાઈ ગાયને વળાવતા ચાંદલો કરી કહે છે, ‘માવડી, ઝોકની લાજ રાખજે. ટાણે-કટાણે દોવા દેજે. શીંગડે પૂંછડે પગે કોઈને મારતી નહીં.’ એ પ્રસંગની સ્મૃતિ કરાવતાં ફરીથી કહ્યું કે, “તેમ તમે અમારી ઝોકની લાજ રાખજો. સાધુતાએ યુક્ત વર્તન રાખજો.” એમ સાધકમુક્તોને સાધુતાસભર રહેવાની ભલામણ કરી.