ગુરુપૂર્ણિમાનો સમૈયો એટલે ગુરુના મહિમાગાનનો અવસર. 

ગુરુપૂર્ણિમાનો સમૈયો એટલે જ્યાં જુઓ ત્યાં ભક્તોની ભીડ જ હોય. 

વાસણા મંદિર ખાતે મોટો સભામંડપ અને ઉપર-નીચે બંને ભોજનશાળા એમ ત્રણે હૉલમાં હરિભક્તો ખીચોખીચ બેઠા હતા. તેઓ ચાતક પક્ષીની જેમ ગુરુનું પૂજન કરવા તત્પર હતા. 

વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સભામાં સત્પુરુષના મહિમાની-દિવ્યભાવની ખૂબ વાતો કરી. સભાના અંતમાં ગુરુદેવ પ.પૂ. બાપજીને આજના પ્રસંગે આશીર્વાદ આપવા માઇક આપ્યું. ગુરુદેવ પ.પૂ. બાપજીએ આશીર્વાદનો પ્રારંભ કર્યો, જેના પ્રારંભિક શબ્દો હતા, “તમે બધાએ ગુરુ-સત્પુરુષનો મહિમા ભલે ખૂબ સાંભળ્યો ને સમજ્યા. શ્રીજીમહારાજનો મહિમા સમજવા અને મૂર્તિસુખ સુધી પહોંચવા એ પણ ફરજિયાત છે. પણ જો તમારે સાચો મહિમા સમજવો હોય તો બધા બે હાથ ઊંચા કરીને આપણા શ્રીજીમહારાજના શબ્દોનો ગુંજારવ કરો : ‘અને વળી જે ભગવાન છે તે જેવા તો એ એક જ છે; બે નથી.’ ફરી બોલો...”

એમ કરતાં ત્રણ-ચાર વખત આ વાક્ય પાકું કરાવી કહ્યું, “તમે બધા એક સ્વામિનારાયણ ભગવાન સિવાય અનંતકોટિ બ્રહ્માંડમાં બીજા કોઈ સનાતન ભગવાન નથી એવું સમજો તો જ અમે રાજી. અનંત મુક્તો મૂર્તિરૂપ છે છતાં ભગવાન તો એક સ્વામિનારાયણ જ છે એ કદી ન ચૂકવું. જો અમને સેવ્યા હોય તો કદી વેદિયા ને વેવલા ન થતા. નિષ્ઠાવાન બનજો.”

આમ, ગુરુદેવ હંમેશાં શ્રીજીમહારાજ મહિમા ગાવવાની પ્રધાનતા રાખી ને રખાવી છે.