ઈ.સ. ૨૦૧૪ના વર્ષની સંત શિબિર ચાલી રહી હતી. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના સાંનિધ્યમાં સંસ્થાના સૌ સંતો કથાવાર્તા, ગ્રુપગોષ્ઠિ વગેરેનો લાભ લઈ આધ્યાત્મિક ક્ષેત્રે બળિયા થઈ રહ્યા હતા. તા. ૨૬ જાન્યુઆરીનો દિવસ હતો. એ દિવસે બપોરે સૌ પૂ. સંતો ગ્રુપગોષ્ઠિનો લાભ લઈ ઠાકોરજી જમાડવા પધાર્યા.

     વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી પણ સૌ સંતોની સાથે ઠાકોરજી જમાડવા પધાર્યા. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીને ઠાકોરજી જમાડવાનું પૂર્ણ થયા બાદ જોડેના સેવક સંત પૂ. સંતોને છાસ પીરસતા હતા. તેમને ઠાકોરજી જમાડવાનું બાકી હતું એટલે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ પત્તર ધોઈને તુરત જ તેમના હાથમાંથી છાસનો જગ લઈ લીધો અને તેમને ઠાકોરજી જમાડવા બેસાડ્યા.

     ઠાકોરજી જમાડી રહેલ સંતોએ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના હસ્તમાંથી છાસનો જગ લેવા પ્રયત્ન કર્યો અને પ્રાર્થના કરતાં કહ્યું કે, “દયાળુ, આપને આવી સેવા ન કરાય, અમે સૌ જાતે જ છાસ લઈ લેશું. આપ આરામ માટે પધારો.”

     ત્યારે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “ના, આરામ તો પછીયે થશે પરંતુ સંતોની સેવાનો લાભ ક્યાંથી મળે ?

     વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીનો નીચી ટેલની સેવાનો આગ્રહ જોઈ પ.પૂ. સ્વામીશ્રીને બેસવા માટે સંતો ખુરશી લાવ્યા તો વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “ખુરશી પર ન બેસાય, બધા સંતો નીચે બેસી જમે છે. વળી, આપણે ઊભા ઊભા પીરસીએ તો આપણને સેવાનો વધુ લાભ મળે. અને આપણી ઉપર મહારાજનો રાજીપો પણ વધુ થાય.”