વાણી-વિવેકના આગ્રહી
“આ કોલાહલ શાનો છે ?” અક્ષરઓરડીમાંથી શ્રીહરિ બોલ્યા. “મહારાજ ! આજે દગડા ચોથના લોકરિવાજ પ્રમાણે સોમબાફૂઈના ખોરડા ઉપર કોઈએ પથ્થર નાખ્યા હશે એટલે ફૂઈ ગાળોનો વરસાદ વરસાવે છે.” નાજા જોગિયાએ ઉત્તર વાળ્યો.
“સોમબા ગાળો બોલે છે ? અમારો આટલો ઉપદેશ લીધા પછી પણ સ્વભાવ ન છૂટ્યો ? અમારે હવે અહીં રહેવું નથી. અપશબ્દો બોલનાર અને સાંભળનાર બેયને પાપ લાગે.” એમ કહી મહારાજ હરજી ઠક્કરને ઘેર ચાલ્યા ગયા.
સોમબા મહારાજને મનાવવા પાછળ ગયાં. માફી માગી. પરંતુ મહારાજે કહ્યું, “અમને નહોતી ખબર કે અમારા આટલા ઉપદેશ પછીય તમારા અંતરમાં અમારી વાણીનો પ્રભાવ પ્રકાશ્યો નથી. તમારી વાણીનો દોષ સાંભળનારાના અંતરમાં અપરાધના બીજ પ્રગટાવશે.” એમ કહી શ્રીહરિએ મુખ ફેરવી લીધું.
વાણી-વિવેકના આગ્રહી શ્રીહરિના કલ્યાણકારી જીવનમાંથી પ્રેરણા મળે છે કે, જે સત્સંગીને શોભારૂપ ન હોય તેવી કટ્ટુ વાણી કે અવિવેક સભરવાણી ન ઉચ્ચારવી.