બાપજીની મરજી છે એટલે ઑસ્ટ્રેલિયા જવાનું જ
ઈ.સ. ૨૦૧૬, માર્ચના ફૂલદોલોત્સવના દિવસે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીની તબિયત નાદુરસ્ત હતી. તેમાં પણ આખા દિવસના થાકને લીધે તબિયત વધુ નાદુરસ્ત થતાં ગુરુજીને બીજે દિવસે ઍપોલો હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
ઑસ્ટ્રલિયા વિચરણ પાછું ઠેલવામાં આવ્યું. એક અઠવાડિયા બાદ ગુરુજીની ટ્રીટમૅન્ટ પૂર્ણ થતાં સ્વામિનારાયણ ધામ પરત લાવવામાં આવ્યા. હજુ ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીની તબિયત સુધારા પર ન હતી. તેથી પૂ. સંતો ગુરુજીને ઑસ્ટ્રેલિયા વિચરણમાં ન પધારવા પ્રાર્થના કરતા હતા. છતાં ગુરુજી આગ્રહ રાખતા હતા. પૂ. સંતોએ ગુરુદેવ પ.પૂ. બાપજીને પ્રાર્થના કરી,
“દયાળુ, સ્વામીશ્રીની તબિયત નાદુરસ્ત છે છતાં ઑસ્ટ્રેલિયા વિચરણનો આગ્રહ રાખે છે તો આપ ના પાડો.”
પરંતુ ગુરુદેવ પ.પૂ. બાપજીની મરજી જુદી હતી. તેઓએ કહ્યું, “એનાં દર્શનની કેટલા ભક્તો રાહ જુવે છે માટે વિચરણ તો બંધ ના રખાય.”
આ સાંભળી પૂ. વડીલ સંતો વધુ પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે ગુરુજીએ સૌને રોકી દીધા :
“બાપજીની મરજી છે ઑસ્ટ્રેલિયા વિચરણ માટે જવાનું છે તો જવાનું જ છે. માટે વિચરણની તૈયારી શરૂ કરી દો.”
આમ, ગુરુજીનું અવરભાવી સ્વાસ્થ્ય નાદુરસ્ત હોવા છતાં ગુરુદેવ પ.પૂ. બાપજીની મરજીમાં રહી ઑસ્ટ્રેલિયા સત્સંગ વિચરણ કર્યું.