એક વખત ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી જોડે મોટા વેપારી દર્શને આવ્યા. મુખ પર કોઈ વિષાદ જોઈ ગુરુજીએ સહસા જ પૂછ્યું, “દયાળુ, કંઈ તકલીફ છે ? કેમ તબિયત સારી નથી ?” વેપારીએ ઢીલા સ્વરે વાત કરવા માંડી :

“શું કહું ગુરુજી, મોટાઈનું ડગળું પેસી ગયું છે તે કાઢવું હવે અઘરું.” 

“શું થયું ? ધંધામાં...” ગુરુજીએ પૂછ્યું.

“હા દયાળુ, મહારાજની ઇચ્છા હતી ત્યાં સુધી ધંધો ધીકતો ચાલ્યો. બધે ખૂબ ડોનેશન પણ આપેલા અને જલસાવાળું જીવન જીવતા હવે મહારાજની ઇચ્છાથી પરિસ્થિતિ વણસી છે તોય આબરૂ ખાતર ઘરમાં સાત-આઠ નોકર રાખવા પડે છે. પ્લેનમાં મુસાફરી કરવી પડે છે. ને વ્યાજવા લાવી ડોનેશન પણ આપવા પડે છે.”

“આબરૂને બાજુમાં મૂકો. અત્યારે આવા સંજોગોમાં બને તેટલા બિનજરૂરી ખર્ચા બંધ કરો. ડ્રાઇવર, નોકર-ચાકર, રસોઇયાને છોડી મૂકો, પોતાનું કામ પોતે જાતે કરો. બહારના ડોનેશન આપવાના બંધ કરી દો. નહિતર વ્યાજ ઉપર વ્યાજ ચડતાં અંતે દેવાળુ કાઢવું પડશે. હિંમત કરીને સમાજમાં ખુલ્લા પડી જાવ અને કહી દો કે અત્યારે ધંધામાં તકલીફ છે.” 

આ વેપારી તો ગુરુજીના અવરભાવી માર્ગદર્શન પામી આશ્ચર્યમુગ્ધ બની ગયા : ‘આ પરભાવી સ્વરૂપ કેવું અવરભાવનું યથાર્થ માર્ગદર્શન આપી અમારી રક્ષા કરે છે !!’