એક દિવસ કોઈ હરિભક્તે ગુરુદેવ પ.પૂ. બાપજીને પ્રશ્ન પૂછ્યો કે, “બાપજી ! અમે આપની પાસે જ્યારે જ્યારે સમાગમનો લાભ લઈએ છીએ ત્યારે કથાવાર્તામાં એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના અને નિષ્ઠાની જ વાત આવે છે. નિયમની-વર્તમાનની, મનુષ્યજન્મની કંઈ પણ વાત કરતા હોય પરંતુ નિષ્ઠા-ઉપાસનાની વાત તો આવે, આવે અને આવે જ. 

તરત જ ગુરુદેવ પ.પૂ. બાપજી ખુમારીપૂર્વક બોલ્યા કે, “અમને તો મહાપ્રભુએ એક સ્વામિનારાયણનો જ મહિમા કહેવાનો હવાલો આપ્યો છે. અમે શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસનાની વાતો કરવાનો પરવાનો લઈને આવ્યા છીએ. 

સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિ પ્રવર્તાવવાની સેવા મહારાજે અમને સોંપી છે. અમારા જીવનમાં એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનની જ નિષ્ઠા છે. ‘નિષ્ઠા એક નાથની બીજું નવ જોઈએ’ - તો પછી બીજી વાત અમે કેમ કરીએ ? એક મૂળો ખાધો હોય તોપણ ઓડકાર મૂળાના જ આવે તો અમારા રૂંવાડે રૂંવાડે મહારાજની સર્વોપરી નિષ્ઠા-સિદ્ધાંતો વણાઈ ગયાં છે તો અમારી વાતમાં બીજી વાત આવે જ ક્યાંથી ?”

સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના મહિમાનું છડેચોક ગાન કરવામાં શૂરવીર એવા દિવ્ય સત્પુરુષ ગુરુદેવ પ.પૂ. બાપજીના દિવ્ય ચરણોમાં કોટિ કોટિ વંદન...