પરભાવી સ્વરૂપ ગુરુજી આપણને સૌને શીખવવા એકાંત અને ધ્યાન-ભજનનો કેવો આગ્રહ કેળવે છે...

તા. ૧૧-૧૨-૨૦૧૬થી ગુરુજી ત્રણ દિવસ માટે મુંબઈ વિચરણમાં પધાર્યા.

ઘણા સમય બાદ ગુરુજી પધારતા હોવાથી હરિભક્તોને વધુ ને વધુ લાભ લેવાનો આગ્રહ રહેતો હતો. પરિણામે ત્રણ દિવસ દરમ્યાન સભા, પધરામણી અને મુલાકાતના અતિ વ્યસ્ત કાર્યક્રમોમાં ગુરુજીને એકાંત કે ભજન-ભક્તિનો સમય મળ્યો જ નહીં. તેથી અંતરમાં દુ:ખ રહ્યા કરતું.

તા. ૧૩-૧૨-૨૦૧૬ના રોજ મુંબઈ ખાતેનું વિચરણ પૂર્ણ કરી ગુરુજી રાત્રે બાર વાગ્યે ટ્રેનમાં બિરાજ્યા ત્યારે ખૂબ થાકને લીધે પોઢી ગયા પણ પોઢતાં પૂર્વે ૪:૪૫નું એલાર્મ મૂકી દીધું.

સવારે સંતોને ખલેલ ન પહોંચે તે માટે વગર એલાર્મે ગુરુજી જાગી ગયા અને એલાર્મ બંધ કરી દીધું. પછી ૫:૩૦ સુધી એકાંત કરી થોડી વાર માળા કરી અને ધ્યાન કર્યું ત્યારે ગુરુજીને હાશ થઈ.

આખી સંસ્થાનો વહીવટ તથા સમાજને સ્થિતિના માર્ગે આગળ ધપાવવાની મહામોટી જવાબદારી વહન કરતા ગુરુજીની દૃષ્ટિ હંમેશાં કારણ તરફ જ મંડાયેલી રહે છે. કારણ કે પોતે સ્વયં કારણસ્વરૂપ છે..