ભાવનગર રાજાના ફરમાનથી દાદાખાચરના અનાજનાં ખળાં ઉપર ચોકી ગોઠવાઈ. એક ઉત્સવ ઊજવાતાં જ દરબારમાંથી દાણા ખૂટી ગયા. આ સ્થિતિ જોઈ દાદાના ખજાનચી લાધા ઠક્કર દાદા પ્રત્યે સહાનુભૂતિ દાખવતાં રડી પડ્યા. તેમને જોઈ શ્રીહરિ અને સંતો પણ દુઃખી થઈ ગયા. 

સદ્. મુક્તાનંદ સ્વામીએ તો જણાવ્યું, “મહારાજ, અમે સૌ સંતો સુરત તરફ જતા રહીએ. વળી આપ અહીં બિરાજો છો ત્યાં સુધી દાદાને ભીડો રહેશે માટે આપ પણ અમારી સાથે પધારો તો દાદાને રાહત રહે.”

આ સાંભળી દાદાબાપુ, જીવુબા, લાડુબાના અશ્રુબંધ તૂટી પડ્યાં. તેઓને જોઈ મહારાજના નેત્રમાંથી પણ ચોધાર આંસુ પડવા લાગ્યા. મહારાજે દિલગીર સ્વરે કહ્યું, “દાદાના દુઃખ સમયે આપણે તેને છોડીને ચાલ્યા જઈએ તો કૃતઘ્ની કહેવાઈએ. વનમાં આગ લાગી તો પંખીઓ વડલાને છોડીને ચાલ્યા ન ગયા. એમ અમે દાદાના દરબારમાં રમ્યા, જમ્યા, રહ્યા, ઉત્સવ કર્યા ને હવે દેશકાળે તેને છોડીને ચાલ્યા ન જવાય. વડલા ઉપરના પક્ષીઓ જેવાય આપણે નહીં ?”

શ્રીહરિની વાત સાંભળી સૌ શ્રીહરિની ભક્તવત્સલતા પર વારી ગયા. સુખ-દુઃખમાં એકબીજાના પડખે ઊભા રહેવાની સુહૃદભાવના શ્રીહરિના જીવનવર્તન પરથી દર્શિત થઈ આવી.