બાયપાસ સર્જરી વખતે ઑપરેશન થિયેટરમાં ફરજિયાતપણે હૉસ્પિટલનો ડ્રેસ પહેરવો પડે. ગુરુવર્ય પ.પૂ. બાપજી મહારાજની આજ્ઞાને લઈ મૂંઝાયા. સાધુને ભગવું કપડું ને એ પણ રામપુર ગામની માટીથી રંગેલું કપડું જ શરીર પર ધારણ કરાય.

     એટલે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ મહારાજની આજ્ઞા ન લોપાય તે માટે પ.પૂ. સ્વામીશ્રીને કહ્યું, “ડૉક્ટરને કહો; જે સેટિંગ કરવું પડે તે કરે પણ અમારા શરીરે ભગવું કપડું તો રહેશે જ. હૉસ્પિટલનો ડ્રેસ નહીં.” આ વાત હૉસ્પિટલના ડૉક્ટરોને કહી. નિયમ-ધર્મની બાબતો સમજાવી.

    ડૉક્ટરો ગુરુવર્ય પ.પૂ. બાપજીની ધર્મની દૃઢતા તથા એમની સાધુતા જોઈ અચંબિત થયા : “અમે તો ઘણા સંતોના ઑપરેશન કર્યા છે, એમાં કોઈનામાં આવા નિયમ જોયા નથી.” આથી તેમને ખૂબ ગુણ આવ્યો. શ્રીજીમહારાજ એમાં ભેગા ભળ્યા અને ડૉક્ટરો એ બાબતે સહકારરૂપ બન્યા. ભગવા કપડાને સ્ટીમ-સ્ટરીલાઇઝ કરાવીને ભગવા લૂગડે જ ઑપરેશન કર્યું.