ભાવનગર નરેશ વજેસિંહબાપુ અને ખુમાણો વચ્ચે તકરાર ચાલતી હતી. તે તકરારના સલાહ માટે વજેસિંહબાપુએ સ્વામિનારાયણ ભગવાનના ઉત્તમ હરિભક્ત એવા ઉત્તમરાયની (દાદાખાચરની) પસંદગી કરી.

આ સમાધાન માટે વજેસિંહજીએ દાદાખાચરને સંદેશો મોકલી તત્કાલ ભાવનગર તેડાવ્યા. દાદાખાચર ભાવનગર આવ્યા અને વજેસિંહજીએ ખુમાણો સાથેનો સુખદ સુલેહ કરવાનો પ્રસ્તાવ મૂક્યો.

શ્રીહરિની આજ્ઞા અને રુચિને જેમણે પોતાનું જીવન બનાવેલું એવા દાદાખાચરે કહ્યું,

“બાપુ, આપની આજ્ઞા મારા માટે શીરોવધ છે પણ...?”

“પણ શું, દાદાખાચર ?”

“બાપુ હું આપની આજ્ઞા જરૂરથી માનીશ પણ મારા ઇષ્ટદેવ ભગવાન શ્રીહરિની અનુજ્ઞામાં રહીને. બાપુ, હું નાનું-મોટું કોઈ પણ કાર્ય શ્રીહરિને પૂછ્યા વિના કરતો નથી. આ કામ એમની આજ્ઞા થતાં તરત હાથ પર ધરીશ અને એમની અનુમતિ મળતાં એમની કૃપાથી કાર્ય પાર પડશે.”

દાદાખાચર ગઢડે આવી ભગવાન શ્રીહરિને વેજસિંહબાપુએ સુલેહના પ્રસ્તાવની વાત કરી.

ત્યારે ભગવાન શ્રીહરિએ રાજી થતાં કહ્યું,

“દાદા, આ તો પરોપકારનું કાર્ય કહેવાય. રાજ્ય અને ખુમાણો વચ્ચેની તકરારમાં નિર્દોષ માણસોને રંજાડ થતી હોય તો આપણો ધર્મ છે તેમને સુખ થાય તેવું કરવું. માટે દાદા, ભાવનગર રાજ્ય અને ખુમાણો વચ્ચે સુલેહ કરાવો એમાં અમો રાજી છીએ.”

“ભલે, મહારાજ.”

“દાદા, અમને મોટા રાજા-રજવાડાં સાથે બહુ બને નહિ, તેઓનાં કાર્ય કરવાં, કરાવવામાં અમારી બિલકુલ રુચિ નથી. પરંતુ આત્મીયતા કરાવવામાં અમારો અત્યંત રાજીપો વરસે.”

“મહારાજ, આ કાર્ય પાર પાડવામાં આપનો રાજીપો થતો હોય તો એ કામ કેમ ન થાય ?”

“દાદા, આમ પણ ખુમાણો ભાવનગર રાજ્ય સામે બહારવટે ચડ્યા હતા તેવા સમાચાર મળતાં અમારું હૃદય દ્રવી ઉઠ્યું કારણ એક જ હતું કે, ભાવનગર નરેશની સાથેની તકરારમાં બિચારી નિર્દોષ અને ભોળી પ્રજાનો શો વાંક ?”

દાદાખાચર શ્રીહરિની અનુજ્ઞાથી સમાધાન કરાવી પરત આવ્યા ત્યારે શ્રીહરિ તેમના પર અત્યંત પ્રસન્ન થયા અને સાથે આવેલા ખુમાણોને ભોજન કરાવ્યું.