શ્રીહરિના મુખે કથાશ્રવણનો મહિમા...
એક સમયને વિષે ભગવાન શ્રીહરિ ગઢપુર મધ્યે ઉગમણા બારની ઓસરીએ સભા કરીને બિરાજમાન હતા. તે સમયે પ્રાગજી દવેએ કથા કરતા કહ્યું.
“ઘરડા લોકોને ઘોડા ફેરવવા ને દોડાવવા તે વાતો સારી લાગે પણ સભામાં બેસી કથા સાંભળવી ન ગમે; કથાનો પ્રારંભ થાય એટલે ઊંઘવા માંડે.”
ત્યારે ભગવાન શ્રીહરિએ કહ્યું,
“કથા વખતે કોઈ ઊંઘશો નહિ; ખટકો રાખી કથા સાંભળો.”
ત્યારે સભાજનોએ શ્રીહરિને કહ્યું,
“મહારાજ ! આ પુરાણી પોથી છોડે છે તેમાંથી ઊંઘ નીકળે છે ને અમને વળગે છે. બીજા કામ-કાજમાં તો ઊંઘ નથી આવતી.” ત્યારે સભાજનોની વાત સાંભળી શ્રીહરિએ હાસ્ય રેલાવ્યું અને સભાજનોને શ્રવણભક્તિનો મહિમા સમજાવતાં કહ્યું,
“જીવને રજોગુણ, તમોગુણ, કામ-ક્રોધાદિકે કરીને તથા જગતની અન્ય ક્રિયાએ કરીને અંતઃકરણમાં કે જીવમાં દુઃખ થયું હોય તે કથાશ્રવણ વખતે નિવૃત્તિ પામે અને નિવૃત્તિને લીધે જીવ શાંત થાય ને ઊંઘ આવવા માંડે.”
આ વાતને વધુ સરળતાથી સમજાય તે માટે શ્રીહરિએ દૃષ્ટાંત સાથે કહ્યું, “જેમ કોઈ ઉત્તમ વર્ણના બેઠા હોય ત્યાં અન્ય જાતિના માણસો જઈ ન શકે તેમ કથા સાંભળવા જીવ બેસે ત્યારે સર્વે વિકારો નજીક આવી શકે નહીં. માટે જીવ સુખિયો થાય છે ને ઊંઘ આવે છે. પરંતુ કથા પ્રમાણેનું જીવન કરવા ઊંઘ આવવી યોગ્ય નથી; તે માટે જાગ્રત બની કથા શ્રવણ કરવું. ”
સર્વે સભાજનોને આટલા સરળ તથા સચોટ ઉપદેશ દ્વારા અન્ય ક્રિયાઓને ગૌણ કરાવી કથાશ્રવણનો મહિમા કરાવ્યો. વળી શ્રીહરિ રમૂજ દ્વારા સભાજનોની અવળી માનીનતાને દૂર કરી કહે, “હવેથી એવું ન વિચારતા કે પોથીમાંથી ઊંઘ નીકળે છે.”
સર્વેએ શ્રીહરિને વચન આપ્યું કે,
“હે મહારાજ ! આપના વચનના બળે કરીને હવે ઊંઘ નહિ આવવા દઈએ.”