અવિરત વિચરણના હિમાયતી
5મી ફેબ્રુઆરી, 2014ના રોજ નિત્યક્રમ મુજબ સવારે વહેલી પરોઢે 3:30 વાગ્યે જાગી, પ્રાત: ક્રિયા તથા પૂજાપાઠ પતાવીને કારણ સત્સંગના સર્વે સમાજ માટે મહાપ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા. 6:00 વાગ્યે મંગળા આરતી પતાવી ઘાટલોડિયા પ્રાત: સભામાં હરિભક્ત સમાજને બળિયો કરવા પહોંચી ગયા. તે જ દિવસે મોરબીની પાસે ધૂનડા ગામે બપોરે 3:00 વાગ્યે શોભાયાત્રામાં પહોંચવાનું હતું.
ઘાટલોડિયા 9:00 વાગ્યે સભા પૂર્ણ કરી, બે મહાપૂજાનો પ્રોગ્રામ પૂરો કર્યો. 11:00 વાગ્યે વાસણા ઠાકોરજી જમાડીને મોરબી જવા નીકળે તો 2:00 વાગતા પહોંચાય તેમ હતું. પરંતુ મહાપૂજા પૂરી થયા બાદ પૂ. સંતોના તથા હરિભક્તોના આગ્રહથી 3-4 પધરામણીઓ ગોઠવાઈ. પ્રેમીભક્તોના મનોરથ પૂરા કરવામાં ઘાટલોડિયા જ પોણા અગિયાર થઈ ગયા. હવે જમાડવાનો સમય ન રહ્યો. સાથે આવેલ હરિભક્તોની ચિંતા રાખી વાસણા જમાડવા પધાર્યા.જમ્યા ન જમ્યા ને તરત જ મોરબી જવા ગાડી ઉપાડી દીધી. મોરબી જતા વચ્ચે રસ્તમાં પોતાને ડાયાબિટીસની તકલીફ હોવા છતાં લઘુ કરવા ગાડી ઊભી ન રાખી. એમ કરતાં સતત 250 કિ.મી.ની જર્ની (મુસાફરી) પૂરી કરી બપોરે 3:10 વાગ્યે મોરબી પહોંચ્યા. ત્યાં પણ બે-ત્રણ પધરામણી પતાવી શોભાયાત્રામાં જોડાયા. સવારે વહેલી પરોઢના 3:30 વાગ્યાથી લઈ સતત સાંજના 5:00 વાગ્યા સુધી અવિરત વિચરણ 81 વર્ષની ઉંમરે કરવું અસંભવ છે જે ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનમાં વર્તમાનકાળે નિહાળી શકાય છે. શોભાયાત્રા બાદ સાંજે 7:00 વાગ્યા સુધી 4500 જેટલા મુક્તોને કથવાર્તાનો લાભ આપી ખૂબ બળિયા કર્યા.
રાત્રિના 8:00 વાગ્યે મોરબી મંદિરે પધારી ત્યાંથી પછી સવારે વાસણાથી સાથે લીધેલ ભાખરી ને છૂંદો જમાડ્યાં. રાત્રે 8:30 વાગ્યે વાસણા પરત થવા નીકળ્યા ને 11:45 વાગ્યે 650 કિ.મીની મુસાફરી 1 દિવસમાં કાપી વાસણા પહોંચ્યા. તેઓને અવરભાવની ઉંમરના કારણે રાત્રે 10-11 વાગ્યા પછી ઊંઘ ન આવે તો આજે કેમ આવે ! તેમ છતાં નહિ કોઈ થાક-ઉજાગરો. બીજા દિવસે વળી પાછા સવારમાં 6:15 વાગ્યે વિચરણ માટે ગાડીમાં બેસી ગયા. આવા છે વિચરણના આગ્રહી. તથા આવું તો અનેક વખત જોવા મળે છે આ દિવ્યપુરુષ ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનમાં. સવારે ગોધરા હોય તો બપોરે માલપુર અને સાંજે સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર.
વહેતા પાણી જેવું અવિરત વિચરણ કરી અનેક મુમુક્ષુઓને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની ઓળખાણ કરાવવા આ દિવ્યપુરુષે 81 વર્ષની ઉંમરે પણ નથી ભૂખ સામે જોયું, નથી ઊંઘ સામે જોયું કે નથી થાક સામે જોયું.