હરિભક્તોના મનોરથ કાજે તજ્યાં ઊંઘ, ભૂખ, થાક
તા. ૨૫-૧૧-૨૦૦૬ના રોજ ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી રાત્રે ઘાટલોડિયા મંદિરે લાભ આપી રહ્યા હતા. એ જ વખતે સેવક સંતનો ફોન વારંવાર બે-ત્રણ વખત વાઈબ્રેટ થતા સેવક સંત ફોન લઈ અંદર રૂમમાં જઈ ઉપાડ્યો ત્યાં સામેથી અવાજ આવ્યો,
“દયાળુ, રાજી રહેજો, હું રવિ શાહ. પ.પૂ. સ્વામીશ્રી સાથે વાત થશે ?” સેવક સંતે કહ્યું, “દયાળુ, સ્વામીશ્રી તો ઘાટલોડિયાની સભામાં લાભ આપી રહ્યા છે. કંઈ સમાચાર આપી શકાય તો કહો. હું આપી દઈશ.” “દયાળુ, મારા ફાધર રમણભાઈ માંદગીના બિછાને છે. અત્યારે તેઓનું સ્વાસ્થ્ય વધુ પડતુ નાદુરસ્ત છે. જાણે હમણાં...” એટલું બોલતાં રડી પડ્યા.
પૂ. સંતોએ રવિભાઈને આશ્વાસન આપ્યું અને સભા બાદ પૂ. સંતે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીને વાત કરી. રાત્રિના 11:30 વાગ્યે ગુરુજી સભા પૂર્ણ કરી સ્વામિનારાયણ ધામ પર પધારવાના હતા.
આખા દિવસનો અતિ વ્યસ્ત કાર્યક્રમ હોવાથી ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી થાક જણાવતા હતા. છતાં ગાડીમાં બેસતાં ડ્રાઇવર મુક્તને કહ્યું, “આપણે સ્વામિનારાયણ ધામ પર નહિ, મણિનગર સિદ્ધિવિનાયક હૉસ્પિટલમાં ગાડી લઈ લો. ત્યાં રવિભાઈના પિતા ખૂબ બીમાર છે તેમને હરિકૃષ્ણ મહારાજનાં દર્શન કરાવવા જવાનું છે.”
ડ્રાઇવર મુક્તને આજ્ઞા થતાં તેઓએ સ્વામિનારાયણ ધામને બદલે મણિનગર બાજુ ગાડી લીધી. રાત્રે ૧૨:૧૫ વાગ્યે રમણભાઈને દર્શન આપવા પધાર્યા ને મૂર્તિસુખમાં રાખ્યાના આશીર્વાદ આપી પરત ૧:૧૫ વાગ્યે સ્વામિનારાયણ ધામ પધાર્યા.
એક-એક હરિભક્તના જતન માટે સ્વયં ગુરુજી ઊંઘ, થાક નો દાખલો સહન કરતા.